દુષ્કર્મ કેસમાં આસારામ 10 વર્ષ કરતાં વધુ સમયથી જેલમાં છે ત્યારે બાકીની સજા રદ કરવા ઉપરાંત ગાંધીનગર સેશન્સ કોર્ટના ચુકાદાને આસારામે હાઇકોર્ટમાં પડકાર્યો હતો, જેની સુનાવણી જજ એ.એસ. સુપેહિયા અને વિમલ વ્યાસની કોર્ટમાં ચાલી રહી છે. આસારામના વકીલ આશિષ ડગલી અને આઇ.એચ. સૈયદ કોર્ટમાં ઉપસ્થિત થયા હતા. તેમણે કોર્ટને જણાવ્યું હતું કે આસારામ 85 વર્ષનો છે અને બહુ બીમાર છે. દુષ્કર્મ ઘટના બન્યાનાં 12 વર્ષ બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં પણ રસોઈયાનું CRPC 164 મુજબ નિવેદન લેવાયું હતું, જેની હત્યા થઈ ચૂકી છે. 12 વર્ષ બાદ પીડિતાનો FSL કે મેડિકલ રિપોર્ટ પણ થઈ શકે નહીં. આસારામ કાલે હોય કે ના હોય, ત્યારે તેને ઝડપી ન્યાયની આશા છે.
કોર્ટે કહ્યું હતું કે વેકેશન પહેલાં 2 એપ્રિલથી આ કેસ પર સુનાવણી શરૂ થશે અને વેકેશન બાદ એનું જજમેન્ટ આપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઇકોર્ટે આસારામને મળવા માટે નારાયણ સાઈએ કરેલી જામીન અરજી ફગાવી દીધી હતી. આસારામ 2018થી રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. મળતી માહિતી મુજબ, રાજસ્થાનની જેલમાં બંધ આસારામને મુંબઈમાં સારવાર માટે પોલીસ જાપતા સાથે રાજસ્થાન હાઇકોર્ટે મંજૂરી આપી છે.
સુરતની યુવતી સાથે દુષ્કર્મના કિસ્સામાં આસારામ સામે વર્ષ 2013માં IPCની કલમ 376, 377, 354, 357, 342, 346, 504, 506(2), 201, 175, 179 અને 120 B મુજબ ગુનો નોંધાયો હતો. આ કેસ ગાંધીનગરની સેશન્સ કોર્ટમાં ચાલ્યો હતો, જેમાં ગત વર્ષે કોર્ટે આસારામને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.