ઉત્તરપ્રદેશના રામપુરના પ્રખ્યાત ડુંગરપુર કેસમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઝમ ખાનને 7 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. એમપી એમએલએ કોર્ટે આઝમ ખાન સહિત 4 ગુનેગારને સજા સંભળાવી છે. તમામને 5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત કોર્ટે 3 આરોપીને નિર્દોષ પણ જાહેર કર્યા છે. 16 માર્ચે કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો, જેના પર સોમવારે સજા સંભળાવવામાં આવી છે. આ દરમિયાન આઝમ ખાન વીડિયો-કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર રહ્યા હતા.
આઝમ ખાન વિરુદ્ધ ડુંગરપુર કેસ MP MLA કોર્ટમાં પેન્ડિંગ હતો. આ કેસમાં પૂર્વ સીઓ સિટી આલે હસન ખાન, પૂર્વ પાલિકા અધ્યક્ષ અઝહર અહેમદ ખાન અને કોન્ટ્રેક્ટર બરકત અલી પણ દોષિત ઠર્યા છે. વરિષ્ઠ પ્રોસિક્યૂશન ઓફિસર અમરનાથ તિવારીએ કહ્યું હતું કે કોર્ટે દરેકને કલમ 495, 412, 452, 504, 506, 427, 120B હેઠળ દોષિત ઠેરવ્યા છે. જસ્ટિસ વિજય કુમારે અન્ય 3 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે, જેમાં જિબરાન ખાન, ફરમાન ખાન અને ઓમેન્દ્ર ચૌહાણ સામેલ છે.
સપા સરકાર દરમિયાન ડુંગરપુરમાં વિભાગીય યોજના હેઠળ આસરા મકાનો બનાવવામાં આવ્યાં હતાં. આ જગ્યા પર પહેલાંથી જ કેટલાંક મકાનો બાંધવામાં આવ્યાં હતાં, જે સરકારી જમીન પર હોવાના કારણસર વર્ષ 2016માં તોડી પાડવામાં આવ્યાં હતાં. વર્ષ 2019માં જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે આ મામલે ગંજ પોલીસ સ્ટેશનમાં એક ડઝનથી વધુ અલગ-અલગ કેસ નોંધાયા હતા. આ મામલામાં આરોપ એવો હતો કે સપા સરકારમાં આઝમ ખાનના કહેવા પર પોલીસ અને એસપીએ આસરા આવાસ બનાવવા માટે તેમનાં ઘરો બળજબરીથી ખાલી કરાવ્યા હતા. બુલડોઝરનો ઉપયોગ કરીને મકાનો તોડી પાડવામાં આવ્યાં હતાં. આ મામલામાં ચર્ચા દરમિયાન આઝમ ખાનનું નામ પણ સામેલ હતું.