દેશમાં ગરમીની ઋતુશરૂ થઇ ગઇ છે. દિવસના સમયે તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે. આ સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 37 ને પાર કરી ગયો છે. આ તાપમાન હજું પણ વધવાની આશંકા છે. ગરમી વધવા પાછળનું કારણ ઉત્તર-પૂર્વના ગરમ પવન ફૂંકાઇ રહ્યા છે તે કહેવામાં આવી રહ્યું છે. આવનારા દિવસોમાં ગરમી કેટલી પડશે તે અંગે વિશ્વ હવામાન સંસ્થાએ એક અહેવાલ જારી કર્યો છે જેમા કહેવામાં આવ્યું છે કે, દેશમાં 2024 માં ગરમી તમામ રેકોર્ડ તોડી દેશે.
ગયા વર્ષની જો વાત કરીએ તો સમગ્ર વિશ્વમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. વર્ષ 2023 એ અત્યાર સુધીનું સૌથી ગરમ દાયકો હતો. કારણ કે હીટવેવ્સથી મહાસાગરોને અસર થઈ હતી અને ગ્લેશિયર્સ પીગળી ગયા હતા. જણાવી દઇએ કે, 1970 થી અત્યાર સુધીના તાપમાનના ડેટાના વિશ્લેષણ દર્શાવે છે કે ઉત્તર ભારતમાં, શિયાળા પછી ઉનાળાની ઝડપથી શરૂઆત થવાનું વલણ છે, જેના કારણે વસંત ઋતુ ટૂંકી થઈ રહી છે. અમેરિકા સ્થિત વૈજ્ઞાનિકોના સ્વતંત્ર જૂથ ક્લાઈમેટ સેન્ટ્રલના સંશોધકોએ શિયાળાના મહિનાઓ (ડિસેમ્બરથી ફેબ્રુઆરી) પર ધ્યાન કેન્દ્રિત કરીને ગ્લોબલ વોર્મિંગના વલણોના સંદર્ભમાં ભારતનું વિશ્લેષણ કર્યું છે.
વિશ્વ હવામાન સંસ્થાના રિપોર્ટને જોતા સંયુક્ત રાષ્ટ્રના ચીફ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું કે આ રિપોર્ટ દર્શાવે છે કે આપણી પૃથ્વી હવે લુપ્ત થવાના આરે છે. WMO ચીફ એન્ડ્રીયા સેલેસ્ટે સાઉલોએ ચેતવણી આપી હતી, “અમે પેરિસ કરારની 1.5C ની નીચેની મર્યાદાની આટલી નજીક ક્યારેય નહોતા. આ ખૂબ જ ખતરનાક છે. એન્ડ્રીયા સેલેસ્ટે સાઉલોએ કહ્યું, “આ અહેવાલને વિશ્વ માટે રેડ એલર્ટ તરીકે જોવો જોઈએ.” તેમણે કહ્યું કે ગરમીનો રેકોર્ડ ફરી એકવાર તૂટી ગયો છે.” સાઉલોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે વાતાવરણમાં ફેરફાર તાપમાન કરતા વધુ છે અને તે ચિંતાનો વિષય છે.