લોકસભા ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. એકબીજા પર શાબ્દિક પ્રહારો ચાલુ છે. મોદી સરકાર હાલમાં દેશવાસીઓ સાથે છેલ્લા દસ વર્ષના રિપોર્ટ કાર્ડ શેર કરી રહી છે. આવામાં પીએમ મોદીએ INDIA એલાયન્સની ટીકા કરી છે.
વિપક્ષી પાર્ટીઓ પીએમ મોદીની સતત ટીકા કરી રહી છે. જો કે, પીએમ નરેન્દ્ર મોદી હંમેશા વિપક્ષી નેતાઓની આ ટીકાઓ અને ટિપ્પણીઓનો અલગ રીતે જવાબ આપે છે. બુધવારે પીએમ મોદીએ એક ખાનગી ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું, આજે વિપક્ષે 104મી વખત મોદીને ગાળો આપી. ઔરંગઝેબ ઉપનામથી સન્માનીત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શિવસેના (UBT) નેતા અને રાજ્યસભા સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે ઔરંગઝેબનો જન્મ પીએમ મોદીના ગામ પાસે થયો હતો. તેથી બંનેની વિચારસરણી સમાન છે. સંજય રાઉતના આ નિવેદન સામે ભાજપના નેતાઓએ ભારે વાંધો વ્યક્ત કર્યો છે.
પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું, “ચૂંટણીની મોસમ છે. ઉત્સાહ છે. ચર્ચાનું વાતાવરણ છે. તમામ સકારાત્મક અને નકારાત્મક બાબતો વચ્ચે વિશ્વની સૌથી મોટી ચૂંટણી ચાલી રહી છે.” વધુમાં કહ્યું કે સરકાર તેના દસ વર્ષના કામનું રિપોર્ટ કાર્ડ રાખી રહી છે. અમે આગામી 25 વર્ષનો રોડમેપ બનાવી રહ્યા છીએ અને અમારી ત્રીજી ટર્મના પ્રથમ 100 દિવસની યોજના પણ બનાવી રહ્યા છીએ. બીજી બાજુ, અમારા વિરોધીઓ પણ નવા રેકોર્ડ પણ બનાવી રહ્યા છે. આજે તેમણે 104મી વખત મોદીને ગાળો આપી છે. ઔરંગઝેબનો ખિતાબ એનાયત કર્યો છે.