દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ફરી એક વખત દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. કેજરીવાલે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી દિલ્હી લિકર નીતિ મામલે વચગાળાના રાહતની માંગ કરી છે. દિલ્હીના મુખ્યમંત્રીએ પોતાની અરજીમાં કહ્યું કે તે લિકર નીતિ કેસની તપાસમાં સહયોગ કરવા તૈયાર છે પરંતુ EDને ધરપકડ કરતા રોકવામાં આવે. મહત્ત્વપૂર્ણ છે કે EDએ આ કેસમાં કેજરીવાલને 21 માર્ચે નવમી વખત સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
અરવિંદ કેજરીવાલે EDના તમામ સમન્સની બંધારણીય માન્યતાને હાઈકોર્ટમાં પડકારી છે. આ મામલે બુધવાર (20 માર્ચ)ના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ ધરપકડમાંથી રાહતની માંગ કરી હતી. તેના પર EDના વકીલ એસવી રાજુએ કહ્યું હતું કે દિલ્હીના મુખ્યમંત્રી તપાસ એજન્સી સમક્ષ હાજર થવાનું ટાળી રહ્યા છે અને બહાના બનાવી રહ્યા છે. સુનાવણી દરમિયાન EDએ કેજરીવાલની અરજી પર જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. હવે આ મામલે આગામી સુનાવણીની તારીખ 22 એપ્રિલ નક્કી કરવામાં આવી છે.
દિલ્હી લીકર નીતિ મામલે કેજરીવાલે ED દ્વારા ધરપકડની આશંકા વ્યક્ત કરી છ. કેજરીવાલે કહ્યું કે ED સામે તે હાજર થવા તૈયાર છે. જો તપાસ એજન્સી આશ્વાસન આપે કે તેમની ધરપકડ કરવામાં નહીં આવે તો પછી હાઇકોર્ટે આદેશ આપવો પડશે કે તેમના વિરૂદ્ધ કોઇ રીતની દંડાત્મક કાર્યવાહી ના કરવામાં આવે. કેજરીવાલે કહ્યું, “તપાસ એજન્સીએ કોર્ટ સામે આશ્વાસન આપવું જોઇએ કે જો હું સમન્સનું પાલન કરૂ છું તો તે મારા વિરૂદ્ધ કોઇ દંડાત્મક કાર્યવાહી નહીં કરે.”