રંગોત્સવના દિવસે જ રાજયમાં વિવિધ સ્થળોએ અકસ્માત એટલે કે ડૂબી જવાની ઘટનાઓ સામે આવી છે. રાજ્યમાં ડૂબી જવાની અલગ અલગ 5 ઘટનામાં 10 લોકોના મોત થયા છે. ભાવનગર- તળાજાના મણાર ગામ પાસે આવેલા ચેકડેમમાં ત્રણ યુવાનો ડૂબતાં મોત નીપજ્યા હતા. તો ખેડાના વડતાલમાં ગોમતી તળાવમાં ત્રણ વિદ્યાર્થી ડૂબી જતાં મોત થયા હતા. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુરની બાલારામ નદીમાં ડૂબવાથી 2 યુવકોના મોત થયા હતા. ધુળેટીની ઉજવણીને લઈ ડીસાના યુવકો નદીમાં નાહવા પડતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. તો મહીસાગરના રણજીતપુરાના પીપળી ખેત તલાવડીમાં બાળકનું ડૂબવાથી મોત નીપજ્યું હતું. ત્યારે અમદાવાદના ભાડજ હરેકૃષ્ણ મંદિર પાસે પણ કેનાલમાં 4 યુવકો ડુબ્યા હતા. જેમની ફાયર બ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ શરુ છે.
કલોલ તાલુકાના કેનાલમાં બે મહિલા અને ત્રણ પુરુષ ડૂબ્યા
1 સુરક્ષિત; લાપતાને શોધવા ફાયર બ્રિગેડ કાર્યરત
ગાંધીનગરના કલોલ તાલુકાના ઉનાલી ગામ નજીક સાણંદ જવાના રોડ ઉપર નર્મદા કેનાલમાં કુલ પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં એક વ્યક્તિ સહી સલામત બહાર નીકળી ગયો છે. જ્યારે ચાર વ્યક્તિઓની શોધખોળ ચાલુ છે. બે મહિલા અને ત્રણ પુરુષ સહિત પાંચ લોકો ડૂબ્યા હતા, જેમાં હાલમાં બે પુરુષ અને બે સ્ત્રીની શોધખોળ કરવામાં આવી રહી છે. અમદાવાદના થલતેજ ફાયર બ્રિગેડ દ્વારા રેસ્કયુ સાધનો અને તરવૈયાઓ કરવામાં આવી રહી છે.
અમદાવાદ ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ થોર રોડ પર ઉનાલી ગામ નજીક સાણંદ તરફ જવાના રોડ ઉપર આવેલી નર્મદા કેનાલમાં 5 લોકો ડૂબ્યા હોવાનો મેસેજ મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. એક વ્યક્તિને સહી સલામત બહાર કાઢી લેવામાં આવ્યો હતો. જો,કે તે બેભાન હોવાથી તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બે મહિલા અને બે પુરુષની શોધખોળ કેનાલમાં કરવામાં આવી રહી છે. નર્મદા કેનાલની સાયફન તરફ હાલમાં શોધખોળ ચાલી રહી છે. ડૂબનારા લોકો અમદાવાદના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં તેના સગા-સંબંધીઓ અંગેની તપાસ કરવામાં આવી રહી છે.