પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ટિપ્પણી કરનાર બીજેપી નેતા દિલીપ ઘોષને તેમની જ પાર્ટીએ નોટિસ ફટકારી છે. નોટિસ જારી કરીને ભાજપે ઘોષના નિવેદનો પર નારાજગી વ્યક્ત કરી છે પરંતુ તેમની પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે. ભાજપે નોટિસ જારી કરીને કહ્યું કે, ‘તમારું નિવેદન અભદ્ર અને અસંસદીય છે. આ ભારતીય જનતા પાર્ટીની પરંપરાઓ વિરુદ્ધ છે. પાર્ટી આવા નિવેદનોની નિંદા કરે છે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જગત પ્રકાશ નડ્ડાની સૂચના મુજબ વહેલામાં વહેલી તકે આ મામલે સ્પષ્ટતા કરો અને યોગ્ય પગલાં લો.
બીજેપી નેતા દિલીપ ઘોષે મમતા બેનર્જી પર વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે મમતા બેનર્જી ક્યારેક પોતાને ગોવાની દીકરી કહે છે તો ક્યારેક ત્રિપુરાની દીકરી. મમતા બેનર્જીએ જણાવવું જોઈએ કે તેમના અસલી પિતા કોણ છે. કોઈની કોઈની દીકરી બનવું યોગ્ય નથી. દિલીપ ઘોષના આ નિવેદનને મહિલાઓની ઓળખ સાથે જોડીને TMCએ પાર્ટી ચૂંટણી પંચ (ECI)ને ફરિયાદ કરી હતી.
દિલીપ ઘોષે કીર્તિ આઝાદ પર નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે મમતા બેનર્જીનો પણ સમાવેશ કર્યો હતો. ઘોષે કહ્યું હતું કે કીર્તિ આઝાદ દીદીનો હાથ પકડીને આવ્યા છે, તેમના પગ ધ્રૂજી રહ્યા છે. આઝાદને તેમના જ લોકો પોતાનાથી દૂર ધકેલશે. બંગાળના લોકો ક્યારે તેમને હાંકી કાઢશે એ તેમને ખ્યાલ પણ નહીં આવે. ભાજપના નેતાએ કહ્યું હતું કે બંગાળને તેના ભત્રીજાની જરૂર છે. મુખ્યમંત્રીએ ગોવા જઈને કહ્યું કે, હું ગોવાની દીકરી છું. ત્રિપુરામાં કહ્યું કે હું ત્રિપુરાની દીકરી છું. પહેલા તેઓએ નક્કી કરવું જોઈએ કે તેમના પિતા કોણ છે? કોઈની દીકરી બનવું યોગ્ય નથી.