અમેરિકાએ ચીનની ત્રણ અને બેલારૂસની એક કંપની પર પ્રતિબંધ લગાવ્યો છે. આ કંપનીઓ પર આ પ્રતિબંધ પાકિસ્તાનને બેલેસ્ટિક મિસાઇલના સાધન પુરા પાડવાને કારણે લગાવવામાં આવ્યો છે. તેમાં લૉન્ગડે ટેકનોલોજી ડેવલપમેન્ટની શી, તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઇન્ટરનેશનલ ટ્રેડ અને ગ્રાનપેક્ટ કંપની લિમિટેડનું નામ સામેલ છે.
બેલારૂસની મિંસ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ કંપની પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ ચારેય કંપનીઓ પર પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામમાં મદદ કરવાનો આરોપ છે. મેથ્યૂ મિલરે કહ્યું કે આ કંપનીઓ ભારે નુકસાન ધરાવતા હથિયારોના પ્રસારમાં સામેલ હતી જેને કારણે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. અમેરિકાના વિદેશ વિભાગે જણાવ્યું કે બેલારૂસની કંપની મિંસ્ક વ્હીલ ટ્રેક્ટર પ્લાન્ટ કંપની પાકિસ્તાનની લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ માટે વિશેષ વ્હીકલ ચેસિસ પુરા પાડતી હતી. આ ચેસિસ બેલેસ્ટિક મિસાઇલમાં લૉન્ચ સપોર્ટમાં ઉપયોગ થાય છે.
અમેરિકન વિદેશ વિભાગે જણાવ્યું કે ચીનની કંપની ગ્રાનપેક્ટ કંપની લિમિટેડ, પાકિસ્તાનમાં લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ તૈયાર કરનારા એકમ નેશનલ ડેવલપમેન્ટ કોમ્પલેક્સ (NDC)ને ફિલામેન્ટ વિડિંગ મશીન આપતી હતી. આ મશીન રોકેટ મોટરમાં ઉપયોગ કરવામાં આવે છે. ચીનની જ કંપની તિયાનજિન ક્રિએટિવ સોર્સ ઇન્ટરનેશનલ ટ્રેડ કંપની લિમિટેડ પાકિસ્તાનને વેલ્ડિંગ સંબંધી સાધન અને એક્સીલેટર સિસ્ટમ આપતી હતી. તિયાનજિન કંપનીનો સંબંધ ચીનની સેના સાથે પણ છે.
પ્રતિબંધ હેઠળ આ કંપનીઓની અમેરિકામાં રહેલી સંપત્તિને જપ્ત કરવામાં આવશે. કંપનીના માલિક અને મોટા ભાગીદારો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે. આ પહેલા પણ અમેરિકાએ પાકિસ્તાનના બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામમાં મદદ કરવાના આરોપમાં ત્રણ કંપનીઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ ત્રણેય કંપનીઓ જનરલ ટેકનોલોજી લિમિટેડ, બેઇજિંગ લુઓ લુઓ ટેકનોલોજી ડેવલપમેન્ટ લિમિટેડ અને ચાંગઝો યૂટેક કંપોઝિટ કંપની લિમિટેડ છે. આ ત્રણેય કંપનીઓ પણ ચીનની જ છે.






