ગુજરાતની 26 બેઠકોના કુલ 266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો સામે જુદા જુદા ગુના નોંધાયેલા છે અને કોર્ટમાં કેસ પડતર છે. આ વખતની ચૂંટણીમાં ગુજરાતના કુલ ઉમેદવારોમાં 10 ટકાથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવતા છે જેમાં સૌથી વધુ 15 અપક્ષ ઉમેદવારો છે અને રાજકીય પાર્ટીમાં સૌથી વધુ છ ઉમેદવાર કોંગ્રેસના છે.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબએપની વિગતો મુજબ ગુજરાતમાં કુલ 266 ઉમેદવારોમાંથી 32 ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે જેમાં અપક્ષ ઉમેદવારો સૌથી વધુ છે. 15 અપક્ષ ઉમેદવારો એવા છે કે જેઓની સામે પોલીસ ફરિયાદો થયેલી છે. ગુનાઇત ઇતિહાસ ધરાવતા કુલ ઉમેદવારોમાંથી ભાજપના 3 ઉમેદવારો છે અને કોંગ્રેસના છ ઉમેદવારો છે જ્યારે આપ પાર્ટીના એક ઉમેદવાર છે. અન્ય નોંધાયેલી પાર્ટીઓના 7 ઉમેદવારો છે. ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલી વિગતો અને એફિડેવિટની વિગતો મુજબ 32 જેટલા ઉમેદવારો સામે જુદા જુદા ગુનામાં કેસ નોંધાયા છે અને હાલ જુદી જુદી કોર્ટોમાં કેસ પડતર છે. જેમાં ભાજપ,કોંગ્રેસ અને આપના મળીને મોટા નેતાઓ પાંચથી છ જેટલા છે. જ્યારે ગુનાઇત ઇતિહાસ ધરાવતા 15 અપક્ષ ઉમેદવારોમાં સૌથી વધુ 3 સુરેન્દ્રનગર બેઠકમાં, સાબરકાંઠામાં બે, ગાંધીનગરમાં બે, ભરૂચમાં બે, ભાવનગર, વડોદરા, ખેડા, જામનગર, પોરબંદર અને આણંદના એક-એક ઉમેદવાર છે.