વિશ્વવિખ્યાત સુરતના ડાયમંડ બુર્સનું નિર્માણ PSP કંપનીએ કર્યું હતું. જેના કોન્ટ્રાક્ટ અને ચુકવણીઓને લઈને બાકી લેણા માટે PSPએ સુરતની કોર્ટમાં અરજી કરી હતી. જે સંદર્ભે કોર્ટે PSP તરફે ચુકાદો આપતા સુરતની કોર્ટે સુરત ડાયમંડ બુર્સને 125 કરોડની બેંક ગેરેન્ટી આપવા અને બેંક ગેરેન્ટી વગર 4,600માંથી 300 ઓફિસ નહીં વેચવા હુકમ કર્યો હતો. જેને SDBએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જો કે, હાઈકોર્ટે સુરતની કોર્ટના હુકમને રદ કરતા તેને અયોગ્ય ગણાવ્યો હતો.
સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. વિશ્વમાં હિરા ઉદ્યોગ માટે તે ભારતની શાખ સમાન છે. જેનું કન્સ્ટ્રક્શન PSP કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે SDB નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન છે. જે કંપની એક્ટ અંતર્ગત રજિસ્ટર છે. ડાયમંડ બુર્સ 14.5 હેક્ટર્સના પ્રાંગણમાં ફેલાટેલું છે. જેનો વિસ્તાર 66 લાખ સ્ક્વેર ફૂટ છે. તેમાં 15 માળના નવ ટાવર આવેલા છે. કુલ 4600 ઓફિસ અંદર બનાવવામાં આવેલી છે.
PSP અને SDB વચ્ચે ડાયમંડ બુર્સ બનાવવાને લઇને કોન્ટ્રાક્ટ થયો હતો. તેના નિયમો મુજબ SDBએ PSPને બાકી લેણાં ચૂકવ્યા ન હોવાથી અરજી સાથે PSP સુરતની કોર્ટમાં પહોંચ્યું હતું. PSPએ જણાવ્યું હતું કે, મેં 2017માં ડાયમંડ બુર્સ બનાવવાનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ ટેન્ડરમાં ફેરફાર પણ કરવામાં આવ્યો હતો. ઓક્ટોબર 2017માં ફાઇનલ બીડ કરવામાં આવી હતી અને લેટર ઓફ ઇન્ટેન્ટ આપવામાં આવ્યો હતો. PSPને GST વગર 1575 કરોડ ડાયમંડ બુર્સના નિર્માણ માટે આપવામાં આવ્યા હતા. જેનો SDBએ સ્વીકાર કર્યો હતો. 30 મહિનાની અંદર આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. માર્ચ 2018માં કોન્ટ્રાક્ટ અમલમાં આવ્યો હતો. જીએસટી સાથે પ્રોજેક્ટની રકમ 1858 કરોડ જેટલી થતી હતી. આ કામ 6 જુન 2020 પહેલાં પૂર્ણ કરવાનું હતું.






