અમદાવાદ ઝોનના CID ક્રાઈમની વિંગે તાજેતરમાં એક ક્રિકેટ સટ્ટાનો કેસ કર્યો હતો. તેની તપાસમાં ઈન્ટરનેશનલ હવાલા કાંડ હોવાનું સામે આવતાં આંગડિયા પેઢીઓમાં તપાસ કરાઈ હતી. જેમાં CID ક્રાઈમને આંગડિયા મારફત ગેમિંગના ખેલાડીઓને દુબઈ હવાલાથી પહોંચાડાતા હતા. ત્યારે રાજ્યની CID ક્રાઈમ અને અન્ય એજન્સીઓ દ્વારા તાજેતરમાં જ અમદાવાદ સહિત વિવિધ શહેરોની આંગડિયા પેઢી પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કરોડોની રોકડ અને સોનું સહિત કેટલાક હવાલા મળી આવ્યા છે. આંગડિયા પેઢીઓ પર કરવામાં આવેલા દરોડાની કાર્યવાહી બાદ અમદાવાદની આંગડિયા પેઢીઓમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે, તેને લઈ દિવ્ય ભાસ્કર દ્વારા ગ્રાઉન્ડ રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આખું ઈસ્કોન આર્કેડ ખાલીખમ હોય તેવા દૃશ્યો દેખાયા હતા.
અમદાવાદના સીજી રોડ પર ઇસ્કોન આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 20થી વધુ આંગડિયા પેઢીની ઓફિસો આવેલી છે, ઇસ્કોન આર્કેડ ખાતેની આંગડિયા પેઢીઓની ઓફિસમાં તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે, મોટાભાગની આંગડિયા પેઢીઓની ઓફિસો બંધ જોવા મળી હતી. CID ક્રાઇમ અને અન્ય એજન્સીઓની તપાસમાં PM એન્ટરપ્રાઇઝ, HM આંગડિયા સહિતની આંગડિયા પેઢીના નામ બહાર આવ્યા છે, તે તમામ ઓફિસો આ કોમ્પ્લેક્સમાં જોવા મળી હતી. જોકે, આ ઓફિસો બંધ હાલતમાં હતી. ઇસ્કોન આર્કેડમાં આંગડિયા પેઢીઓની ઓફિસો આવેલી છે, તે તમામ ઓફિસો પર તાળા જોવા મળ્યાં હતાં.