લોકસભા ચૂંટણી 2024માં ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી સતત ત્રીજી વખત ઉમેદવારી નોંધાવી હતી. પીએમ મોદીએ મીડિયા સાથે વાત કરતા વડનગરની જૂની વાતો યાદ કરી હતી. પીએમ મોદીએ મુસ્લિમો સાથે તેમના સંબંધો, ગોધરાકાંડ, કોંગ્રેસ, NDAને 400 બેઠકો જેવા મુદ્દાઓ પર ખુલીને વાત કરી હતી.
પીએમ મોદીએ કહ્યું કે, મારા ઘરની પાસે મુસ્લિમ પરિવારો રહેતા હતા. અમારા ઘરે પણ ઇદ ઊજવાતી હતી અને હું સેવૈયા ખાવા તેમના ઘરે જતો હતો. આ સાથે ઉમેદવારી ફોર્મ ભરતા પહેલાં પીએમ મોદી માતા હીરાબાને યાદ કરીને ભાવુક થઇ ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુસ્લિમો સાથે તેમના સંબંધો અંગે કહ્યુ કે, મારી પડોશમાં અનેક મુસ્લિમ પરિવારો રહેતા હતા. મારા ઘરે ઇદના દિવસે ભોજન નહોતું બનતું. અનેક મુસ્લિમ પરિવારોના ઘરેથી મારા ત્યાં ભોજન આવતું. મારા ઘરે ઇદ ઊજવાતી હતી. હું તેમના ત્યાં સેવૈયા ખાતો હતો. હું એવા પરિવારમાંથી આવું છું, જ્યાં મોહર્રમના પ્રસંગે પણ પરિક્રમા કરવાની મંજૂરી હતી. આજે પણ મારા અનેક મિત્રો મુસ્લિમ છે.
પીએમ મોદીએ કહ્યું કે, ગોધરાકાંડ પછી મારી છબી ખરડવામાં આવી છે. જોકે, ગોધરાકાંડ પછી રમખાણો થવા છતાં મુસ્લિમ સમાજ માટે અનેક સારા કામ કરવાના કારણે અમદાવાદમાં મુસ્લિમ પરિવારો મારૂં સન્માન કરતા હતા. મુસ્લિમો વધુ બાળકો પેદા કરતા હોવાના આક્ષેપો મુદ્દે મોદીએ કહ્યું કે, “વધુ બાળકોવાળી વાત કરીને તમે મુસ્લિમો સાથે અન્યાય કરો છો. આપણે ત્યાં ગરીબ પરિવારોમાં આ જ સ્થિતિ છે. તેઓ બાળકોને ભણાવી નથી શકતા, જ્યાં ગરીબી છે ત્યાં વધુ બાળકો છે. મેં હિન્દુ નથી કહ્યું કે મુસ્લિમ પણ નથી કહ્યું. મેં કહ્યું છે કે તમારે એટલા જ સંતાનો પેદા કરવા જોઇએ જેટલાનું તમે ભરણ-પોષણ કરી શકો. હું જે દિવસે હિન્દુ-મુસ્લિમ કરીશ તે દિવસે જાહેર જીવનમાં રહેવા યોગ્ય નહીં રહું.”
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં જનતાએ તેમને ખૂબ આશીર્વાદ આપ્યો છે. ઉત્તર પ્રદેશની જનતા કોંગ્રેસને ઓળખી ગઇ છે. આ વખતે ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી નહીં શકે. રાયબરેલીથી રાહુલ ગાંધીના વિજયની સંભાવનાઓ પર તેમણે કહ્યું કે, આ પરિવારને મીડિયાએ જ ઊભો કર્યો છે. છેલ્લા 70 વર્ષથી આ લોકોને મીડિયાએ મહત્ત્વ આપ્યું છે પરંતુ ઉત્તર પ્રદેશની જનતા હવે પરિવારવાદ પર વિશ્વાસ નથી કરતી.