કેન્દ્ર સરકારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેને એક મહિનાનું એક્સટેન્શન આપ્યું છે. લોકસભાની ચૂંટણી દરમિયાન આ એક ખૂબ જ અસામાન્ય પગલું છે. જનરલ પાંડે 31 મેના રોજ નિવૃત્ત થવાના હતા પરંતુ હવે તેઓ 30 જૂન સુધી આ પદ પર રહેશે. સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું કે, કેબિનેટની નિમણૂક સમિતિએ જનરલ પાંડેની સેવા એક મહિનાના વિસ્તરણને મંજૂરી આપી છે.
સંરક્ષણ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેના નિયમો, 1954ના નિયમ 16A (4) હેઠળ કેબિનેટની નિમણૂક સમિતિએ આર્મી ચીફ જનરલ મનોજ સી પાંડેની સેવામાં એક મહિનાનું વિસ્તરણ આપ્યું છે, જે તેમની નિવૃત્તિની તારીખ 31 મે થી 30 જૂન સુધી અસરકારક છે. નોંધનિય છે કે, આવો અવસર 1970ના દાયકાની શરૂઆતમાં માત્ર એક જ વાર આવ્યો છે. તત્કાલીન ઈન્દિરા ગાંધી સરકારે તત્કાલિન આર્મી ચીફ જનરલ જીજી બેવૂરનો સેવા સમયગાળો એક વર્ષ લંબાવ્યો હતો. સૈન્ય નિષ્ણાતોના મતે જનરલ બેવૂરને આપવામાં આવેલી સેવાના વિસ્તરણને કારણે લેફ્ટનન્ટ જનરલ પ્રેમ ભગત આર્મી ચીફ બન્યા વિના નિવૃત્ત થઈ ગયા હતા. જનરલ બેવૂર બાદ જનરલ ટીએન રૈનાની આ ટોચની પોસ્ટ પર નિમણૂક થવાની હતી. નિષ્ણાતોનું માનવું છે કે, જનરલ બેવૂરને આપવામાં આવેલા આ સર્વિસ એક્સટેન્શને લેફ્ટનન્ટ જનરલ ભગતનો રસ્તો રોકી દીધો હતો.