મિઝોરમના આઇઝોલ જિલ્લામાં આજે વહેલી સવારે મુશળધાર વરસાદ વચ્ચે પથ્થરની ખાણ ધરાશાયી થતાં પાંચ લોકોનાં મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે ઘણા લોકો ગૂમ થયાં છે.
માહિતી મુજબ, ભૂસ્ખલનની આ ઘટના સવારે 6 વાગ્યાની આસપાસ આઈઝોલ શહેરની દક્ષિણમાં આવેલા મેલ્થમ અને હલીમેન વચ્ચેના વિસ્તારમાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પાંચ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે અન્ય કેટલાક લોકો હજુ પણ પથ્થરોની નીચે દટાયેલાં છે. ભારે વરસાદને કારણે બચાવ કામગીરી પર અસર પડી રહી છે. વરસાદને કારણે મિઝોરમમાં અનેક સ્થળોએ ભૂસ્ખલન થયું હતું. ભૂસ્ખલનને કારણે હંથર ખાતે નેશનલ હાઈવે 6ને ભારે નુકસાન થતાં મિઝોરમ (આઈઝોલ) ભારતના બાકીના ભાગોથી અલગ થઈ ગયું છે તેમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. ઉપરાંત, કેટલાંક ઇન્ટ્રા-સ્ટેટ હાઇવેને પણ ભૂસ્ખલનથી નુકસાન થયું છે.