શુક્રવારે કન્યાકુમારીમાં વિવેકાનંદ રોક મેમોરિયલમાં PM મોદીના ધ્યાનનો બીજો દિવસ છે. સવારે ધ્યાન કરવાની તસવીરો સામે આવી હતી. તેમાં મોદી ભગવો ઝભ્ભો પહેરેલા, હાથમાં રુદ્રાક્ષની માળા અને કપાળ પર તિલક કરેલા દેખાય છે. તેમણે સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યું, મંદિરની પરિક્રમા કરી અને ધ્યાનની મુદ્રામાં બેઠા. બીજી તરફ વિપક્ષ મોદીના ધ્યાનને આચારસંહિતાનો ભંગ ગણાવી રહ્યો છે. તમિલનાડુ કોંગ્રેસે આરોપ લગાવ્યો છે કે PM પોતાના પદનો દુરુપયોગ કરી રહ્યા છે. તેમની સામે મદ્રાસ હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
પીએમ ગુરુવારે સાંજે કન્યાકુમારી પહોંચ્યા હતા. સૌ પ્રથમ ભગવતી દેવી અમ્માન મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. મોદીએ પૂજા દરમિયાન સફેદ મુંડુ (દક્ષિણ ભારતનું વસ્ત્ર) પહેર્યું હતું અને શાલ ઓઢી હતી. પૂજારીઓએ તેમની પાસે વિશેષ આરતી કરાવી હતી. પ્રસાદ, શાલ અને દેવીની તસવીર આપી હતી.