ગુરુવારે મોડી સાંજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી જવા રવાના થઇ ગયા હોવાના વાવડ મળ્યા છે. તેઓ આવનારા દિવસોમાં અમિત શાહ સાથે બેઠક કરશે. તેમની સાથે ભાજપના અધ્યક્ષ અને નવસારીના સાંસદ સી આર પાટીલ પણ હાજર હશે. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ તેમની સાથે જોડાય તેવી શક્યતા છે.
લોકસભાની ચૂંટણીના પરિણામો જાહેર થઇ ગયા બાદ હવે ગુજરાતમાં ભાજપના સંગઠનના બદલાવનું કામ આગળ ધપશે. ચાલુ મહિને અથવા આવતા મહિનાની શરૂઆતમાં રાષ્ટ્રીય સંગઠનમાં બદલાવ આવે તેવી સંભાવનાઓને જોતાં હવે ગુજરાત ભાજપમાં પણ બદલાવની હિલચાલ આવી શકે છે. ભાજપના સૂત્રો આવતા જૂલાઇ માસમાં સંપૂર્ણ નવા માળખાની અપેક્ષા રાખી રહ્યા છે. સી આર પાટીલને સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે ઓબીસી ચહેરો આવે તેવી સંભાવના જોવાઇ રહી છે.
ભાજપના સાઇડલાઇન થયેલા સિનિયરોના મનમાં આ ચૂંટણી પરિણામોને લઇને કચવાટ ઊભો થયો છે. ભાજપના સંગઠનમાં ચાલી રહેલા ક્લેશને નિવારવા માટે સંગઠન સાથે જોડાયેલા સિનિયર નેતાને પ્રદેશ અધ્યક્ષ બનાવવા જોઇએ તેવો મત તેઓ વ્યક્ત કરી રહ્યા છે. અલબત્ત પ્રમુખ પદ માટે જ્ઞાતિ- જાતિના સમીકરણ જોવાને બદલે લાયકાત જોઇને જ પ્રમુખપદ આપવું જોઇએ તેવો વાદ વ્યક્ત કરાઇ રહ્યો છે. સંગઠનનું સમૂળગું માળખું બદલવાનો પણ મત અહીં આવે છે. આ સાથે મંત્રીમંડળમાં પણ ક્ષમતાને ધ્યાનમાં રાખીને પસંદગી કરવાની માગ ઉઠી છે.
સંગઠન ઉપરાંત સરકારમાં પણ કેટલાંક આંશિક ફેરફારો આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હવે પોતાના મંત્રીમંડળનું વિસ્તરણ કરી શકે છે. આ કિસ્સામાં પેટાચૂંટણીમાંથી જીતીને આવેલા અર્જુન મોઢવાડિયા અને સી. જે. ચાવડાને સમાવાશે. આ સિવાય એવી વાત પણ ચાલી રહી છે કે મંત્રીમંડળમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિનિધિત્વ ઘટી શકે છે. સુરત શહેર અને જિલ્લામાંથી ચાર મંત્રીઓ છે તેમાં પણ ઘટાડો થઇ શકે છે.