સુરતના જહાગીરપુરા વિસ્તારમાં પતિ-પત્ની અને બે સાળી રાત્રે સૂતા બાદ સવારે ઊઠ્યા જ નહીં. ચારેયે સામૂહિક આપઘાત કર્યાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે, તપાસ ચાલુ છે. ચારેય મૃતકો રાત્રે રસ-પૂરી જમ્યા હતા અને બાદમાં સૂતા હતા. જેમાં એક મહિલાએ વોમિટિંગ કર્યાના નિશાન પણ જોવા મળ્યા છે. ત્યારે આ ઘટના સામુહિક આપઘાતની છે કે ફૂડ પોઈઝનિંગથી ચારેયના મોત થયા છે તે કહેવું હાલ મુશ્કેલ છે. પોલીસે કારણ જાણવા માટે એફએસએલની મદદ લીધી છે. જશુબેન કેશવભાઈ વાઢેર (ઉં.વ.58), શાંતુબેન વાઢેર (ઉં.વ.55), ગૌબેન હીરાભાઈ મેવાડા (ઉં.વ. 55), હીરાભાઈ દાનભાઈ મેવાડા (ઉં.વ. 60)ના મોત થયા છે ગૌબેન અને હીરાભાઈ પતિ-પત્ની હતા.
રાજહંસ રેસિડેન્સીના ઈ બિલ્ડિંગના પાંચમાં માળે 504 નંબરના ફ્લેટમાં આ બનાવ બન્યો છે. અંદર પ્રવેશતા એક વૃદ્ધનો મૃતદેહ જમીન પર ગાદલા પર પડ્યો હતો. તેની સામે જ સેટી પર બે મહિલાના મૃતદેહ પડ્યા હતા. જ્યારે એક મહિલાને વોમિટિંગ થયા બાદ ઊંધા પડેલા જોવા મળ્યા હતા. આ ઘટનાથી રહસ્ય ઘેરાયું છે, કારણ કે, ઘટનામાં ચારેયે આપઘાત કર્યો છે કે ફૂડ પોઈઝનિંગથી મોત થયું છે? આ સવાલ હાલ ઉઠ્યો છે.
સંબંધી જયેન્દ્રસિંહે જણાવ્યું હતું કે, આ પરિવાર મારા કાકા થાય છે. મારા કાકા કોરોનામાં ગુજરી ગયા હતા. મારા કાકી અને તેના બે છોકરા અહીં રહે છે. મૃતકોમાં ત્રણ મહિલા અને એક પુરૂષ છે. ત્રણેય બહેનો છે, ગામડેથી આવ્યા છે એને હું ઓળખતો નથી. ગઈકાલે રાત્રે બધા સાથે જમ્યા હતા. બાદમાં સવારે તેના પરિવારના એક બહેન નાસ્તો લઈને આવ્યા ત્યારે ઘરમાં બધા ગમે તેમ પડેલા હતા. પોલીસની કાર્યવાહી થાય અને મેડિકલ રિપોર્ટ આવે તેના પર બધો મદાર છે. પરિવારમાં પાંચ સભ્યો છે. જેમાં નાનો દીકરો ગોવા છે અને બીજો અહીંયા જ રહે છે.