કોમી તોફાનો દરમિયાન જાહેર મિલકત અને જાનમાલને થતા નુકસાનને અટકાવવા પોલીસની ભૂમિકા સહિતના મુદ્દે થયેલી સુઓમોટો પીઆઈએલમાં રાજય સરકારે સોંગદનામું રજૂ કરી સ્પષ્ટ કર્યું હતું કે, પોલીસ તંત્રમાં તા. 31/03/2024ની સ્થિતિએ 28,993 ખાલી જગ્યાઆ ખાલી પડી છે. જો કે, આ જગ્યાઓ ભરવા માટે સરકાર દ્વારા અસરકારક કામગીરી નહી કરતાં ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યકત કરી હતી.
ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે આગામી સમયમાં સરકાર કેવી રીતે અને કયારે ભરતી કરશે..? પોલીસ ભરતી બોર્ડની રચના, તેના સભ્યોની માહિતી, ભરતીની પ્રક્રિયા સહિતના મુદ્દાઓ પર વિગતવાર જવાબ રાજયના ગૃહવિભાગ પાસેથી માંગ્યો છે. તા.2 જુલાઇ સુધીમાં આ અંગેની બ્લુ પ્રિન્ટ રજૂ કરવા પણ હાઇકોર્ટે તાકીદ કરી હતી. કોમી તોફાનો વખતે જાહેર મિલકતને નુકસાન થતુ અટકાવવા, રેલી, સભા સરઘસ દરમિયાન પોલીસને દિશા-નિર્દેશ, પોલીસ રિડ્રેસલ ફોરમની રચના, વસ્તી પ્રમાણે પોલીસની ભરતી, પોલીસને તાલીમ સહિતના વિવિધ મુદ્દાઓ પર સુપ્રીમકોર્ટે દેશના તમામ રાજયોને 2019માં જારી કરેલા નિર્દેશોને પગલે ગુજરાત હાઈકોર્ટે પણ આ મામલે સુઓમોટો પીઆઈએલ દાખલ કરી હતી.