વડોદરાના પૂર્વ ક્રિકેટર અને હાલ તૃણમુલ કોંગ્રેસના બહેરામપુર લોકસભાના સાંસદ યુસુફ પઠાણ દ્વારા પાલિકાના પ્લોટમાં કરવામાં આવેલા દબાણને પગલે વિવાદ ચાલી રહ્યો છે. ત્યારે પૂર્વ ક્રિકેટરે પાલિકા દ્વારા ફાઇનલ પ્લોટ નંબર 90 ફાળવ્યો નથી. છતાં તેઓએ ગત લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર સાથે રજૂ કરેલા સોગંદનામામાં આ પ્લોટની માલિકી બતાવતા ચર્ચાનો વિષય બન્યો છે.
TMCના બહેરામપુર લોકસભા બેઠકના સાસંદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે લોકસભાની ચૂંટણી સમયે ઉમેદવારી પત્ર ભર્યું હતું ત્યારે પોતાની પાસેની મિલકતો અંગેનું સોગંદનામું રજૂ કર્યું હતું. આ સોગંદનામામાં તેઓએ વડોદરા મહાનગર પાલિકાની માલિકીનો TP-22 આવેલો ફાઇનલ પ્લોટ નંબર-90 માલિકીનો દર્શાવ્યો છે. જો કે, આ સોગંદનામામાં પ્લોટ વર્ષ 2009માં ખરીદ્યો હોવાનું દર્શાવવામાં આવ્યું છે. વાસ્તવમાં કોર્પોરેશન દ્વારા તેઓને પ્લોટ આપવામાં આવ્યો નથી.