ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના પ્રમુખ અને હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીનીસ મુશ્કેલીમાં વધારો થયો ચે. સાંસદ તરીકે શપથ લીધા બાદ ‘જય પેલેસ્ટાઈન’ બોલવા બાબતે હોબાળો મચ્યો છે. ઓવૈસી વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે.
ઓવૈસી હૈદરાબાદથી સાંસદ તરીકે ચૂંટાયા છે. ગઈકાલે એટલે કે 25મી જૂને નવા ચૂંટાયેલા સાંસદોનો શપથ ગ્રહણ સમારોહ ચાલી રહ્યો હતો. આ દરમિયાન અસદુદ્દીન ઓવૈસીએ પણ સાંસદ તરીકે શપથ લીધા હતા, પરંતુ તેઓ જ્યારે શપથ લઈ રહ્યા હતા ત્યારે કરેલી હરકતથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. ઓવૈસીએ શપથ પહેલા બિસ્મિલ્લાહ વાંચીને ઉર્દૂમાં શપથ લીધા હતા. પરંતુ શપથ લીધા બાદ તેમણે સદનની અંદર જ ‘જય ભીમ, જય મિમ, જય તેલંગાણા અને જય પેલેસ્ટાઈન’ના નારા લગાવ્યા હતા.
ઓવૈસેના સૂત્રોચ્ચાર બાદ ઘણા સાંસદોએ હંગામો મચાવ્યો હતો. ઓવૈસીએ સદનમાં જય પેલેસ્ટાઈન નારો લગાવતા તેમની વિરુદ્ધ રાષ્ટ્રપતિને ફરિયાદ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિષ્ણુ શંકર જૈને એક પોસ્ટમાં લખ્યું છે કે, રાષ્ટ્રપતિ સમક્ષ અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ બંધારણની કલમ 102 અને 103 અંતર્ગત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સંસદની સદસ્યતા રદ કરવાની માંગ કરવામાં આવી છે.
અસદુદ્દીન ઔવેસીના ‘જય પેલેસ્ટાઈન’ના નારા પર ભાજપે નારાજગી દર્શાવી છે. ભાજપના નેતાઓએ આની સખત નિંદા કરી રહ્યા છે. જી. કિશન રેડ્ડીએ કહ્યું કે, અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં ઉચ્ચારેલો ‘જય પેલેસ્ટાઈન’નો નારા ખોટો છે. આ ગૃહના નિયમોની વિરુદ્ધ છે. તેઓ ભારતમાં રહેતા હોવા છતાં ‘ભારત માતા કી જય’ બોલતા નથી.