ગોધરા બહુચર્ચિત NEET પરીક્ષામાં ગેરરીતિ મામલે CBI તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જય જલારામ સ્કૂલના પ્રિન્સીપાલ પુરૂષોત્તમ શર્માએ જ NEETની પરીક્ષા માટે જય જલારામ સ્કૂલની ભલામણ કરી હોવાનું બહાર આવ્યું છે. NTA દ્વારા NEETની પરીક્ષાને લઇને 3 કોલેજ અને એક સ્કૂલની મંજૂરી માંગવામાં આવી હતી.
NEET પરીક્ષા માટે નિયુક્ત સીટી કૉ ઓર્ડિનેટર તરીકે નિમાયેલા પુરૂષોત્તમ શર્મા પાસે અભિપ્રાય માંગતા તમામ સેન્ટરો દૂર પડશે તેવી ત્રુટી બતાવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે NEET પરીક્ષા કૌભાંડ મામલે પંચમહાલ પોલીસ દ્વારા પુરૂષોત્તમ શર્માની સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં CBI દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. CBIની તપાસમાં વધુ કેટલાક ખુલાસા થાય તેવી શક્યતા છે.
મહત્ત્વપૂર્ણ છે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રરન્સ ટેસ્ટ અથવા NEET UG2024નું આયોજન 5 મેએ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા કરવામાં આવ્યું હતું. આ પરીક્ષા માટે 24 લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. NEET UGનું પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાત-બિહાર સહિત કેટલાક રાજ્યમાં ગેરરીતિ અને પ્રશ્નપત્ર લીક થવાના આરોપ લાગ્યા હતા.