દેશના અનેક વિસ્તારોમાં ચોમાસાની વિધિવત શરૂઆત તો થઈ જ ચૂકી છે પણ સાથે સાથે હવે અનેક વિસ્તારો તો જાણે જળમગ્ન બન્યા છે. ભારે વરસાદની સંભાવનાને કારણે દેશભરમાં કેટલાક વિસ્તારોમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગએ ભારે વરસાદની આગાહી કરી છે અને ગુજરાત માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય હવામાન વિભાગે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન એજન્સીએ ઉત્તર-પશ્ચિમ રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે જેના કારણે જમ્મુ-કાશ્મીરમાં આગામી ત્રણ દિવસમાં ભારે વરસાદની સંભાવના છે. તેમજ હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાનમાં 6 જુલાઈ સુધી ભારે વરસાદની સંભાવના છે. સ્કાયમેટ વેધર અનુસાર આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા અને ઉત્તરાખંડના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. પૂર્વોત્તર ભારત, બિહાર, ઝારખંડ, દિલ્હી, પૂર્વ ગુજરાત, દરિયાકાંઠાના કર્ણાટક, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશના ભાગો, છત્તીસગઢ અને આંદામાન અને નિકોબાર ટાપુઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. પશ્ચિમ બંગાળ, પૂર્વ રાજસ્થાન, વિદર્ભ, ઓડિશા, કેરળ, હિમાચલ પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છ અને લક્ષદ્વીપના ગંગાના મેદાનોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, રાયલસીમા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને તમિલનાડુમાં હળવો વરસાદ થઈ શકે છે.