T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં 3 દિવસથી અટવાયેલી ટીમ ઈન્ડિયા આજે ભારત ભારત પરત ફરી છે. સવારે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા બાદ ટીમનો કાફલો હોટલ આઈટીસી પહોંચ્યો હતો. હોટલમાં ભારતીય ટીમ માટે ખાસ કેક બનાવવામાં આવી હતી. એરપોર્ટ પર ફેન્સ પ્લેયર્સની એક ઝલક મેળવવા માટે ઉત્સુક હતા. ટીમના સ્વાગત માટે તેઓ સવારે 5 વાગ્યાથી ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એકઠા થયા હતા.
દેશમાં ટીમના ભવ્ય સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. આજે સાંજે 5 વાગ્યે મુંબઈના નરીમન પોઈન્ટથી વાનખેડે સ્ટેડિયમ સુધી ઓપન રૂફ બસમાં ટીમની વિજય પરેડ થશે. ત્યારબાદ સન્માન સમારોહમાં કેશ પ્રાઈઝ આપવામાં આવશે. 2007માં પહેલો વર્લ્ડ કપ જીતનાર ધોનીની ટીમનું પણ આવી જ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. વાવાઝોડાના કારણે ટીમ ઈન્ડિયા ત્રણ દિવસથી બાર્બાડોસમાં અટવાઈ ગઈ હતી. BCCIએ તેમને લાવવા માટે ખાસ પ્લેન મોકલ્યું હતું. આ પ્લેનને ‘ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ’ નામ આપવામાં આવ્યું હતું.