હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના ઓરેન્જ એલર્ટ બાદ આજે પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગ (IMD) એ આ ચોમાસાની સિઝનમાં પ્રથમ વખત ફ્લેશ ફ્લડનું એલર્ટ જાહેર કર્યું છે. શિમલા, સિરમૌર અને મંડી જિલ્લાઓમાં ચેતવણી જાહેર કરવામાં આવી હતી. મતલબ કે આ ત્રણેય જિલ્લામાં કેટલીક જગ્યાએ રાત્રે પણ ભારે વરસાદ બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
આને ધ્યાનમાં રાખીને, પ્રવાસીઓ સહિત સ્થાનિક લોકોને સાવચેતી રાખવા અને નદી નાળાની નજીક ન જવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. હવામાન કેન્દ્ર શિમલાએ આજે અને આવતીકાલે રાજ્યમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. શિમલાના હવામાન કેન્દ્રના નિર્દેશક ડૉ.સુરેન્દ્ર પાલે જણાવ્યું કે આજે રાત્રે અને આવતીકાલે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. જેના કારણે નદી નાળાઓમાં પાણીનું સ્તર અચાનક વધી શકે છે. આ જોતાં સાવચેતી જરૂરી છે.
ગઈકાલે રાત્રે પણ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેના કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન થતા 115થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. ગઈકાલે રાત્રે ખાસ કરીને કાંગડા, શિમલા, સોલન અને મંડીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. મંડીના સુંદરનગરમાં રાત્રે સૌથી વધુ 121 મીમી વરસાદ નોંધાયો હતો. બપોરે 1 વાગ્યા સુધી પાલમપુરમાં 120 એમએમ, શિમલામાં 92 એમએમ, ધર્મશાલામાં 27 એમએમ અને સોલનમાં 86 એમએમ વરસાદ નોંધાયો હતો.