ભારતમાં સાંસદો અને ધારાસભ્યોને લગતા અમુક નિયમો અને કાયદા છે. જો કોઈ વ્યક્તિ વિધાનસભા, લોકસભા અથવા રાજ્યસભાના સભ્ય હોય, તો તે કેન્દ્ર અથવા રાજ્ય સરકારમાં કોઈ નફાનો હોદ્દો ધરાવી શકે નહીં. જો તે કોઈ લાભનું પદ ધરાવે છે તો ચૂંટણી પંચ તે સભ્યને ગેરલાયક ઠેરવી શકે છે. કેરળના ભાજપના સાંસદ સુરેશ ગોપી, જેઓ એક અભિનેતા છે, તેમણે કહ્યું કે, ‘હું પહેલાની જેમ કોઈપણ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ફી લઈશ અને તેનો ઉપયોગ સામાજિક કાર્યો માટે કરીશ.’
કેરળના વતની સુરેશ ગોપી અભિનેતામાંથી રાજકારણી બન્યા છે અને થ્રિસુર બેઠક જીતીને લોકસભામાં પહોંચીને ભાજપને એક ઐતિહાસિક જીત અપાવી છે. કારણ કે પહેલીવાર કેરળનો કોઈ વ્યક્તિ ભાજપની ટિકિટ પર જીતીને સંસદમાં પહોંચ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. ભાજપે તેમને કેબિનેટમાં સ્થાન આપ્યું અને તેમને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી બનાવ્યા છે.
સુરેશ ગોપીને હજુ પણ અભિનયમાં ખૂબ જ રસ છે. તેથી, તેમણે જીત બાદ તરત જ જાહેરાત કરી કે તે ફિલ્મોમાં અભિનય ચાલુ રાખશે. તેમણે એમ પણ કહ્યું કે હું જે કંઈ કમાણી કરું છું, તેનો એક ભાગ લોકો અને સમાજના કલ્યાણ માટે ખર્ચ કરીશ.’ આ કારણે લોકો તેના ખૂબ વખાણ કરે છે. પરંતુ હાલમાં જ તેણે એવું નિવેદન આપ્યું હતું જેના પર સવાલો ઉઠવા લાગ્યા હતા.
સુરેશ ગોપીએ એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, ‘હું ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અન્ય કલાકારોની જેમ કાર્યક્રમોમાં જઈશ અને ઉદ્ઘાટનના કાર્યક્રમો માટે પૈસા પણ લઈશ. હું જ્યારે પણ કોઈ કાર્યક્રમમાં જાઉં તો એવું ન વિચારો કે હું સાંસદ તરીકે તેનું ઉદ્ઘાટન કરીશ. હું અભિનેતા તરીકે જ આવીશ. અન્ય લોકોની જેમ હું આ માટે ફી લઈશ, જે રીતે મારા અન્ય સાથીદારો કરે છે’, જો કે સુરેશ ગોપીએ પણ સ્પષ્ટ કર્યું છે કે આમાંથી જે પણ પૈસા મળશે તે સંપૂર્ણ રીતે તેમના ટ્રસ્ટમાં જશે અને લોકોના કલ્યાણ માટે ખર્ચવામાં આવશે.
સાંસદ લાભનું પદ ન મેળવી શકે
હવે આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે શું કોઈ સાંસદ અન્ય વ્યવસાયો પણ અપનાવી શકે છે? બંધારણની કેટલીક જોગવાઈઓ અને જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951માં અમુક જોગવાઈ કરવામાં આવી છે. સાંસદ માટે અયોગ્યતા માટેના મૂળભૂત માપદંડો બંધારણના અનુચ્છેદ 102માં અને ધારાસભ્ય માટે કલમ 191માં નિર્ધારિત છે.
બંધારણની કલમ 102માં જણાવવામાં આવ્યું છે કે ક્યાં કાયદા મુજબ કોઈ સાંસદને ગેરલાયક ઠેરવી શકાય છે. બંધારણની કલમ 102 (1A) મુજબ કોઈપણ સાંસદ અથવા ધારાસભ્ય એવા કોઈ પદ પર રહી શકે નહીં જ્યાં પગાર અથવા ભથ્થાં સહિત અન્ય કોઈપણ લાભો ઉપલબ્ધ હોય. તેમજ કલમ 191 મુજબ ધારાસભ્યને ક્યાં ક્યાં કામ માટે અયોગ્ય ગણવામાં આવશે.બંધારણની કલમ 191 (1A) અને જનપ્રતિનિધિત્વ અધિનિયમની કલમ 9A હેઠળ સાંસદો અને ધારાસભ્યોને અન્ય જગ્યાએથી લાભ લેવાથી રોકવાની જોગવાઈઓ છે.