ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા ભારે વરસાદને કારણે ત્રણ લોકોનાં મોત થયાં છે. હલ્દવાની, બનબસા, ટનકપુર, સિતારગંજ અને ખટીમામાં હાલત સૌથી ખરાબ છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સિસ્ટમે જણાવ્યું હતું કે ભૂસ્ખલનના કાટમાળને કારણે બે રાષ્ટ્રીય ધોરીમાર્ગો અને 200થી વધુ ગ્રામીણ રસ્તાઓ હજુ પણ બંધ છે. ઉત્તરાખંડમાં બદ્રીનાથ નેશનલ હાઈવે પર પાતાળ ગંગા લંગસી ટનલ પર પહાડનો મોટો ભાગ પડતાં રસ્તો બ્લોક થઈ ગયો હતો.
જ્યારે આસામમાં બ્રહ્મપુત્રા અને એની ઉપનદીઓનો જળસ્તર ભયજનક સ્તરથી નીચે આવી ગયો છે. રાજ્યમાં પૂરની સ્થિતિમાં થોડો સુધારો થયો છે અને 26 જિલ્લામાં પૂરથી પ્રભાવિત લોકોની સંખ્યા ઘટીને લગભગ 17.17 લાખ થઈ ગઈ છે. જોકે મંગળવારે 7 લોકોનાં મોત થયાં હતાં. પૂર અને વરસાદમાં અત્યારસુધીમાં 92 લોકોએ જીવ ગુમાવ્યા છે.
બિહારમાં ગંડક, કોસી, બાગમતી, કમલા સહિતની ઘણી નદીઓમાં પૂર આવ્યું છે, જેના કારણે ગોપાલગંજ, બેતિયા અને બગહામાં પૂર જેવી સ્થિતિ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન વીજળી પડવાથી 4 લોકોનાં મોત થયાં છે, જ્યારે 6 લોકો ઘાયલ થયા છે.
હવામાન વિભાગે આજે 3 રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે. યુપી, બિહાર, આસામ, મેઘાલય અને ગોવામાં ઓરેન્જ એલર્ટ છે. આ રાજ્યોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, કર્ણાટક અને તેલંગાણામાં યલો એલર્ટ છે. આ રાજ્યોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે.