પેરિસ ઓલિમ્પિકના ઓપનિંગ સેરેમનીમાં ફ્રાન્સે આ પરેડ માટે ઉત્તમ તૈયારીઓ કરી છે અને આ સમારોહને ઐતિહાસિક બનાવવાની તૈયારી કરી લીધી છે. ઓપનિંગ સેરેમનીની પરંપરા 129 વર્ષ જૂની છે. પહેલીવાર આ સેરેમની સ્ટેડિયમની અંદર નહીં પરંતુ બહાર યોજાશે. પેરિસમાં, સીન નદીના કિનારે શેરીઓની મધ્યમાં કાર્યક્રમો યોજાશે. પ્રથમ વખત રમતવીરો બોટ પર પરેડ કરશે. પરેડ 6 કિ.મી. લાંબી હશે. પરેડ દરમિયાન ભારતીય ટુકડી 84માં નંબર પર જોવા મળશે.આ સમારોહ જોવા માટે 3 લાખ દર્શકો પહોંચશે તેવો અંદાજ છે.
ફ્રાન્સની રાજધાની પેરિસમાં 26 જુલાઈના રોજ રાત્રે 11 વાગે ઓપનિંગ સેરેમની શરૂ થશે. ઈતિહાસમાં પહેલીવાર, નદી અને શેરીઓમાં સ્ટેડિયમ છોડીને નેશન્સ પરેડ અને કાર્યક્રમો થશે. સીન નદીથી શરૂ થઈને, 6 કિમી લાંબી પરેડ ટ્રોકાડેરો ગાર્ડન્સ સુધી આગળ વધશે. તેમાં 206 દેશો અને એસોસિયેશનના 10,500 એથ્લીટ્સ ભાગ લેશે.
સમારોહમાં 120 થી વધુ દેશોના નેતાઓ અને વહીવટી અધિકારીઓ પણ ભાગ લેશે. પરેડ પૂરી થયા બાદ થોડો સમય ડાન્સ અને સિંગિગ કાર્યક્રમો થશે. સમારોહ લગભગ 2 કલાક સુધી ચાલશે. ફ્રાન્સે 2024 ઓલિમ્પિકના સ્લોગનને ‘ગેમ્સ વાઇડ ઓપન’ રાખ્યું છે. જેનો અર્થ છે, રમતો સંપૂર્ણપણે ખુલ્લી છે.
તમામ એથ્લીટ્સ લગભગ 94 બોટમાં સેરેમનીનો ભાગ બનશે. બોટ કેમેરાથી સજ્જ છે, જેનાથી દરેક દેશના ખેલાડીઓને પરેડ ઓફ નેશન્સમાં ટીવી અને ઓનલાઈન માધ્યમ પર જોઈ શકાશે. પરેડમાં, રમતવીરો સીન નદી પર બોટ પર શહેરમાંથી મુસાફરી કરશે અને ટ્રોકાડેરો ગાર્ડન્સ સુધી પહોંચશે. ઓપનિંગ સેરેમનીનો અંતિમ શો અહીં યોજાશે.





