બિહારના હાજીપુરમાં જલાભિષેક કરવા જઈ રહેલા ભક્તોનું વાહન હાઈ ટેન્શન વાયર સાથે અથડાયું, જેના કારણે વીજ શોક લાગવાથી આઠ કાવડીઓના મોત થયા. ગ્રામજનોએ આ ઘટના માટે વિજળી વિભાગ પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને જ્યારે એસડીએમ અને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે ગ્રામજનોએ હોબાળો મચાવ્યો હતો.
આ દુર્ઘટના હાજીપુર ઈન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશન વિસ્તારના સુલતાનપુરમાં થઈ હતી. શ્રાવણ મહિનામાં ગામના છોકરાઓ દર સોમવારે નજીકના હરિહરનાથ મંદિરમાં જલાભિષેક કરવા જતા હતા. રવિવારે રાત્રે પણ કાવડીઓ જલાભિષેક માટે નીકળ્યા હતા. કાવડીઓએ ટ્રેક્ટર-ટ્રોલી પર ડીજેની પણ વ્યવસ્થા કરી હતી.
આ ગામમાં રોડ ઉબડખાબડ હોવાને કારણે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થતી હાઇ ટેન્શન લાઇન સાથે અથડાઇ હતી. ઈલેક્ટ્રીક કરંટને કારણે ટ્રોલી પર સવાર યુવાનો દાઝી ગયા અને અરાજકતા દરમિયાન ઘણા લોકોને વીજ કરંટ લાગ્યો હતો, 8ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. લોકો ઘાયલોને મદદ કરવા દોડી આવ્યા હતા. તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલોને ત્યાં સારવાર આપવામાં આવી રહી છે. આ દુર્ઘટના માત્ર 15 સેકન્ડમાં જ થઈ હતી.
વીજ કરંટથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ ટ્રોલીમાં ખરાબ રીતે ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ સદર એસડીપીઓ ઓમપ્રકાશ સહિત અનેક પોલીસ અધિકારીઓ પોલીસ દળ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તમામ મૃતદેહોને ટ્રોલીમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. તમામ મૃતકો સુલતાનપુર અને હાજીપુરના બરાઈ ટોલા જાધુઆના રહેવાસી હતા.