શેખ હસીનાએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દેશ છોડ્યા પછી પણ બાંગ્લાદેશમાં હિંસા અટકી રહી નથી. હવે ઉપદ્રવીઓ લઘુમતી હિંદુઓ, શેખ હસીનાની પાર્ટી અવામી લીગના સમર્થકો અને તેમના સંગઠનોને નિશાન બનાવી રહ્યા છે.ઉપદ્વવીઓએ જેસોરમાં એક હોટલમાં આગ લગાવી હતી, જેમાં આઠ લોકોને જીવતા સળગાવ્યા હતા અને 84 લોકો ઘાયલ થયા હતા.
જે હોટલમાં આગ લાગાવી તે અવામી લીગના નેતા શાહીન ચકલાદારની છે. ચકલાદાર જેસોર જિલ્લાના અવામી લીગના જનરલ સેક્રેટરી છે. ડેપ્યુટી કમિશનર અબરારુલ ઈસ્લામે આગ લાગવાના સમાચારની પુષ્ટિ કરી હતી. મૃતકોમાંથી બેની ઓળખ 20 વર્ષીય ચયન અને 19 વર્ષીય સેજાન હુસૈન તરીકે થઈ છે. જશોર જનરલ હોસ્પિટલના કર્મચારી હારુન-યા-રશીદે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા 84 લોકો, જેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે, હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઢાકામાં પ્રદર્શનકારીઓ દ્વારા બાંગ્લાદેશના મુખ્ય ન્યાયાધીશના ઘરની લૂંટ કરવામાં આવી હતી. બાંગ્લાદેશનું પોલીસ તંત્ર સાવ પડી ભાંગ્યું છે, રસ્તાઓ પર પોલીસ નથી. બાંગ્લાદેશ બોર્ડર ગાર્ડના સૈનિકોને પણ પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને તેઓ ફરજ પર નથી. બાંગ્લાદેશના રસ્તાઓ પર માત્ર સેનાના જવાનો જ તૈનાત છે, પરંતુ તેમની સંખ્યા ઓછી છે.
ક્રિકેટર મશરફે મુર્તઝાનું ઘર સળગાવી દેવાયું
અવામી લીગના સાંસદ કાઝી નબીલના નિવાસસ્થાને પણ તોડફોડ કરી અને આગ લગાડી. ક્રિકેટર મશરફે મુર્તઝાનું ઘર સળગાવી દેવાયું, મુર્તઝા અવામી લીગનો નેતા છે. તેમણે શેખ હસીનાની પાર્ટી તરફથી જાન્યુઆરીમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી લડી અને સંસદ સભ્ય બન્યા. અગાઉ 5 ઓગસ્ટે હજારો બદમાશોના ટોળાએ બાંગ્લાદેશના વડા પ્રધાનના નિવાસસ્થાન ‘ગણ ભવન’ પર હુમલો કર્યો અને વ્યાપક લૂંટ ચલાવી.