ભારતીય રેલવે દ્વારા વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલી રહી છે. ત્યારે હવે 16 કોચની જગ્યાએ 20 કોચવાળી નવી કેસરી કલરની વંદે ભારત ટ્રેન દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 9 ઓગસ્ટ (શુક્રવારે) સવારે અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનથી પહેલીવાર નવી 20 કોચવાળી વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ રન કરવામાં આવ્યું હતું. ટ્રેનને 130 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડાવવામાં આવી હતી. પશ્ચિમ રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને ઇજનેરોએ સમગ્ર ટ્રેનનું નિરીક્ષણ કર્યું હતું.
દેશના મોટા શહેરો વચ્ચે 16 અને 8 કોચવાળી વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. વંદે ભારત ટ્રેન શરૂઆત કરી ત્યારે સફેદ કલરના કોચવાળી ટ્રેન હતી. હવે વંદે ભારત ટ્રેનનો કલર બદલી કેસરી કરવામાં આવ્યો છે. અમદાવાદ-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી રહી છે. બંને ટ્રેનોમાં ફૂલ બુકિંગ ચાલતું હોય છે. પેસેન્જરનો સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવરજવરને ધ્યાનમાં રાખીને અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાનો નિર્ણય લીધો હતો.
અમદાવાદ- સુરત-મુંબઈ વચ્ચે બે વંદે ભારત ટ્રેન ચાલે છે. તેની સરેરાશ સ્પીડ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે. જે ટ્રેન 5.30 કલાકમાં અમદાવાદથી મુંબઈ પહોંચાડે છે. 20 કોચવાળી નવી વંદે ભારત ટ્રેન હવે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે. જેનાથી એક કલાકનો સમય બચશે. અમદાવાદથી મુંબઈ વચ્ચે રેલવે સ્ટેશનો સાથે રેલવે ક્રોસિંગ પર આરપીએફના જવાનોને તહેનાત રાખવામાં આવ્યા છે. જેથી કરીને આકસ્મિક ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.