સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાં આવેલા મધ્યપ્રદેશના ડેમોમાંથી પાણી છોડવાના કારણે નર્મદા ડેમમાં પાણીની આવક 3,67,840 ક્યુસેક થતાં જળ સપાટી 130.81 મીટરે પહોંચી છે, જે માત્ર 7.87 મીટર બાકી છે. અંદાજિત બે ત્રણ દિવસમાં 138.68 મીટરે પહોંચે તેવી શક્યતા દેખાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, નર્મદામાં 28,464 ક્યુસેક પાણી છોડાયું છે, જેથી સરદાર સરોવર ડેમ વોર્નિંગ સ્ટેજ સુધી પહોંચ્યો છે. હાલ ડેમની જળ સપાટી 130.81 મીટર પહોંચતાં હવે ડેમ 8 મીટર જ ખાલી રહ્યો છે. નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થતાં સરદાર સરોવર નર્મદા નિગમનું આખું તંત્ર એલર્ટ થઇ ગયું છે. નર્મદા નદીમાં છોડવામાં આવતાં પાણીને કારણે કાંઠાના ગામોને સાબદા કરી દેવામાં આવ્યા છે.