દિલ્હીના લાલ કિલ્લા પર 78માં સ્વતંત્રતા દિવસની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. જ્યારે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આ દરમિયાન સૂત્રો પાસેથી સમાચાર આવી રહ્યા છે કે આતંકવાદીઓ દેશમાં આતંક ફેલાવવાની યોજના બનાવી રહ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ 15મી ઓગસ્ટના દિવસે આતંકવાદીઓ માનવ બોમ્બના રૂપમાં હુમલો કરી શકે છે.
આ ખતરાને જોતા ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જાહેર કર્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ VVIPને નિશાન બનાવી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં થયેલા તાજેતરના હુમલા બાદ વધુ સાવધ રહેવાની સલાહ આપવામાં આવી છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI લશ્કર-એ-તૈયબા, TRF અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોને દરેક રીતે મદદ કરી રહી છે અને આ સંગઠનોને હુમલા કરવા માટે ઉશ્કેરે છે. કઠુઆ, ડોડા, ઉધમપુર, પુંછ અને રાજૌરીમાં થયેલા તાજેતરના હુમલાઓને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી છે. એવા ઈનપુટ મળ્યા છે કે સશસ્ત્ર આતંકવાદીઓ હજુ પણ ભારતમાં હાજર છે અને તેમની યોજના મુજબ વીઆઈપી લોકોને નિશાન બનાવી શકાય છે.