હીરાઉદ્યોગમાં હાલ ભારે મંદીના કારણે મોટી સંખ્યામાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે જો સાતમ આઠમનું 10 દિવસનું વેકેશન રાખવામાં આવશે તો રત્નકલાકારોનું ગુજરાન કેવી રીતે ચલાવશે એ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.આ સ્થિતિમા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા ડેપ્યુટી લેબર કમિશનર અને સંયુક્ત નિયામક ઓધોગિક સલામતિ અને સ્વાસ્થ્ય વિભાગ ને આવેદન પત્ર પાઠવી જે કંપની વેકેશન પાડે તે કંપનીના રત્નકલાકારોને વેકેશન પગાર આપવામા આવે એવી માંગણી કરી છે અને જે કંપની પગારથી વંચિત રાખે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગણી કરી છે.
હીરાઉદ્યોગની ઘણી કંપનીઓમાં આયોનપૂર્વક છૂટક છૂટક 25 થી 50 કારીગરોને છુટા કરવામાં આવી રહ્યાં છે જેથી કારીગરોની સાચી માહિતી પ્રગટ ના થઈ જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે અને જે રત્નકલાકારોને છૂટા કરવામાં આવે છે તેમને મજુર કાયદા હેઠળના બોનસ પગારના લાભો પણ આપવામાં આવતા નથી.
હીરાઉદ્યોગના ઘણા નાના મોટા કારખાના વેકેશનની આડમા બંધ થઈ રહ્યા છે ત્યારે તેવા કારખાનામાં કામ કરતા રત્નકલાકારો પણ બેરોજગાર બની રહ્યા છે અને તે કારખાના વેકેશન પછી પણ ખુલવાની શક્યતા નથી ત્યારે લેબર વિભાગ દ્વારા સ્કવોડ બનાવી તપાસ કરવામાં આવે અને કામદારોને વેકેશન પગાર તથા બોનસ પગારના લાભોથી વંચિત રાખવામાં આવે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે.