નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરીને યુએસ જવાનો પ્રયાસ કરતી વખતે શુક્રવારે બે મહિલા, એક વરિષ્ઠ નાગરિક અને એક તરુણ સહિત ચાર જણને તાંઝાનિયાથી મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યા બાદ આ ચારેયની પોલીસે ધરપકડ કરી હતી. આ ચારમાંથી બે મહિલા તથા એક તરુણ મૂળ ગુજરાતના વતની છે જ્યારે તેમનો હેન્ડલર મુંબઈનો રહીશ છે.
સહાર પોલીસ દ્વારા ઝડપાયેલાઓમાં ગીતા બેન માનસિંગ ચૌધરી (નાથશેરી, લક્ષ્મીપુરા, મહેસાણા), ભારતીબેન જીવણભાઈ ચૌધરી (રંગા કૂઈ, વિસનગર, જિ. મહેસાણા), અંશ ગોવિંદભાઈ ચૌધરી (સોલયા ગામ, તા. માણસા, જિ. ગાંધીનગર) તથા રમેશ ભજન ઠાકુર ફોબિયન એપાર્ટમેન્ટ, બાન્દ્રા વેસ્ટ, મુંબઈ નો સમાવેશ થાય છે.
તાંઝાનિયામાં આ લોકોની પૂછપરછ અને તપાસ દરમિયાન ત્યાંના સત્તાવાળાઓએ શોધી કાઢયું હતું કે આ ચારમાંથી ત્રણ જણ પાસે બે- બે પાસપોર્ટ હતા. ત્યારબાદ આ ચારેય વ્યક્તિનો તાંઝાનિયાથી દેશનિકાલ કરવામાં આવ્યો હતો. આ લોકોને ડિપોર્ટ કરાયા બાદ તેઓ જ્યારે પાછા ભારત અને મુંબઈ એરપોર્ટ પર આવ્યા ત્યારે ઈમિગ્રેશન અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું હતું કે અંશ, ભારતીબેન અને ગીતાબેને તાંઝાનિયા જવા માટે તેમના અસલી પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. જોકે તાંઝાનિયા પહોંચ્યા પછી તેમણે નકલી ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરી યુએસ જવાનો પ્રયાસ કર્યો હતો.
આ ત્રણેય કાયમ માટે યુએસ સ્થાયી થવા માગતા હતા. તેમનો કોન્ટેક્ટ પુષ્પાબેન વ્યાસ નામના એક એજન્ટ સાથે થયો હતો. પુષ્પાબેને તેમને તાન્ઝાનિયા થઈને અમેરિકા આવવા જણાવ્યું હતું. પુષ્પાબેને જ હેન્ડલર રમેશ ઠાકુરને તેમની સાથે આવવા કહ્યું હતું. જોકે, તેમણે તાન્ઝાનિયા પહોંચ્યા પછી નકલી પાસપોર્ટનો ઉપયોગ શા માટે કર્યો તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ ન હતી.