સુરત શહેરના હીરા, ટેક્ષટાઇલ સહિત અન્ય ક્ષેત્રમાં વેપાર કરનાર 54 લોકોને માસિક 2% નફો આપવાની લોભામણી જાહેરાતો કરી કુલ રૂ.2,47,81,000ની છેતરપિંડી કરનાર માસ્ટર માઈન્ડને કટક સર્કલ જેલ (ઓડીશા) ખાતેથી ટ્રાન્સફર વોરંટથી સુરત ઇકો સેલે લાવી ધરપકડ કરી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
સુરત શહેર મોટા વેપાર ધંધા, ટેક્ષટાઇલ તેમજ ડાયમંડ સાથે સંકળાયેલા લોકોને ટાર્ગેટ કરી જીયાજુર રહેમાન મનીરુલહુદા સૈયદ સહિત તેની ટોળકી તેમની કંપનીમાં રોકાણ કરવાથી કંપની માસિક 2 ટકા પ્રોફિટ બેંક ખાતામાં આપશે, તેવી લોભામણી જાહેરાતો કરી હતી. શરૂઆતમા 2 ટકા નફો ચૂકવી રોકાણ વધી જતા નફો ચૂકવવાનુ બંધ કરી મૂડી પણ પરત નહિ કરી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી નાસી ગયો હતો. જે અંગે સુરત ઇકો સેલ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી.
ફરિયાદી વેપારી દેવાંગ કિર્તિકુમાર શાહએ ઇકો સેલને આપેલી ફરિયાદ મુજબ આરોપી હેમંતકુમાર પાલ, સૈયદ જીયાજુર રહેમાન, કાજી મહેબુબ, રોનીતા મહાજન પૂર્વ આયોજીત કાવતરૂ રચી ફરિયાદી તથા અન્ય રોકાણકારોને તેમના રોકાણ પેટે માસિક 2% નફો આપવાની સ્કીમની લાલચ આપી હતી. આરોપીઓની કંપનીઓ (1) એલએફએસ બ્રોકિંગ એન્ડ પીએમએસ સર્વિંસિસ (2)એલપીએકસ એસોસિએટ્સ (3) એલએફએસ અન્ડ પીએમએસ (4) ટ્રેન્ડિંગ એફએક્સમાં ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો ના રૂ.2,47,81,000 જાન્યુઆરી 2022થી રોકાણ કરાવી તેઓની કંપનીઓના જુદા-જુદા બેંક ખાતાઓમાં નાણા મેળવી લઇ પૂર્વ આયોજિત કાવતરુ રચી શરૂઆતમાં રોકણ કરેલ રકમ પેટે 2% નફો આપી બાદમાં નફો આપવાનુ બંધ કરી દીધું હતું.
ફરિયાદી તથા અન્ય રોકાણકારોના રોકાણ કરેલ કુલ રૂ.2,47,81,000 પરત ન કરતા ફરિયાદી અને અન્ય 54 રોકાણકારો સાથે ગુનાહીત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી ગુના અંગે ફરિયાદ દાખલ કરી હતી. આખરે આ સમગ્ર મામલે ઇકો સેલે માસ્ટરમાઈન્ડ 47 વર્ષીય જીયાજુર રહેમાન મનીરુલહુદા સૈયદની ટ્રાન્સફર વોરંટ થકી ધરપકડ કરી છે. આરોપી આરામબાગ, જિ.હુગ્લી પશ્ચિમ બંગાળનો વતની છે. ભુવનેશ્વર ઓડીશા ખાતે પણ આ જ એમ.ઓ.થી સ્કીમ ચલાવી છેતરપિંડી કરવાના ગુનામાં પકડાઈ ચૂક્યો છે અને તે જેલમાં હતો. ઇકો સેલે કોર્ટમાંથી ટ્રાન્ફર વોરંટ મેળવી કટક સર્કલ જેલ (ઓડીશા) ખાતેથી આરોપી મેળવી તેને કોર્ટમાં રજુ કરી 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. આરોપીએ રૂ.2,47,81,000નુ રોકાણ ક્યાં કરેલ છે અને આરોપી સાથે અન્ય કેટલા સહ આરોપીઓ સંડોવાયેલા છે ? જે દિશામાં તપાસ ચાલુ છે.