બાંગ્લાદેશમાં શેખ હસીનાની વિદાય બાદ મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં રચાયેલી વચગાળાની સરકારે ભારત સામે કડક વલણ અપનાવવાનું શરૂ કર્યું છે. નવી સરકારે હવે તિસ્તા જળ વિવાદને આંતરરાષ્ટ્રીય મંચ પર લઈ જવાની વાત કરી છે. એક રિપોર્ટ પ્રમાણે જળ અને પર્યાવરણ મંત્રી રિઝવાના હસને કહ્યું કે બાંગ્લાદેશ તિસ્તા જળ વિવાદના ઉકેલ માટે આંતરરાષ્ટ્રીય મંચ પર જવા પર વિચાર કરશે.
બાંગ્લાદેશના જળ અને પર્યાવરણ મંત્રી રિઝવાના હસને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીનું નામ લઈને કહ્યું કે, મોહમ્મદ યુનુસની સરકાર બંને દેશો વચ્ચે નદીઓને લગતા મુદ્દા ઉઠાવશે. મમતા બેનર્જીનું પાણી ન આપવાનું નિવેદન પણ યાદ અપાવ્યું. તેમણે કહ્યું કે અમે તિસ્તાના પાણી મુદ્દે પીછેહઠ નહીં કરીએ. નવી દિલ્હી સાથે પણ ચર્ચા કરીશું. અમને પાણી મળશે કે નહીં તે અમારા હાથમાં નથી, પરંતુ આ મુદ્દો જરૂરથી ઉઠાવવામાં આવશે.
રિઝવાનાએ કહ્યું, અમે ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવીશું, પરંતુ અમારી માંગણીઓ પણ ઉઠાવીશું. સાથે જ દાવો કર્યો કે, બાંગ્લાદેશને પાણી સંબંધિત બાબતો પર ચર્ચા કરવા માટે ચીન સહિત ઘણા દેશો તરફથી આમંત્રણ મળ્યું છે. આ અંગે ટૂંક સમયમાં ભારત સરકાર સાથે ચર્ચા કરવામાં આવશે. રિઝવાનાએ 1996ના ગંગા જળ વહેંચણી કરાર વિશે વાત કરતા કહ્યું કે, શેખ હસીના સમયમાં કરાયેલા આ કરારના નવીકરણ માટે ફરીથી વાટાઘાટો કરવી પડશે. સપ્ટેમ્બર 2022માં કુશિયારા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જેમાં 1996ના ગંગા કરાર બાદ સહિયારી નદીઓ અંગેના કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.