કોલકાતા રેપ-મર્ડર કેસને લઈને નવી માહિતી સામે આવી છે. આ મુજબ તાલીમાર્થી ડોક્ટરના માતા-પિતાને આરજી કર મેડિકલ કોલેજ દ્વારા જાણ કરવામાં આવી હતી કે તેમની પુત્રીએ આત્મહત્યા કરી લીધી છે.
9 ઓગસ્ટની સવારે તાલીમાર્થી ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યા બાદ હોસ્પિટલના આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટે એક કલાકમાં તેના માતા-પિતાને ત્રણ કોલ કર્યા હતા. આ કોલ્સમાં, માતા-પિતાને શક્ય તેટલી વહેલી તકે હોસ્પિટલમાં આવવા માટે કહેવામાં આવ્યું હતું. હોસ્પિટલ દ્વારા માતા-પિતાને કરવામાં આવેલા ફોન કોલનો ઓડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જો કે, પીડિતાના માતા-પિતાએ ઘટનાના બીજા જ દિવસે દાવો કર્યો હતો કે હોસ્પિટલે તેમની પુત્રીની હત્યાને આત્મહત્યા તરીકે જાહેર કરવાનો પ્રયાસ કર્યો હતો.