વડોદરા શહેરના આજવા ડેમમાંથી સતત છોડાયેલાં પાણીને પગલે વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બની છે અને એનાં પાણી આસપાસના કાંઠા વિસ્તારમાં ઘૂસી ગયાં છે. એને કારણે લાખો લોકો પોતાના ઘરમાં જ પુરાયેલા છે. ત્યારે રાહતના સમાચાર એ છે કે, વિશ્વામિત્રી નદીની સપાટી 30 ફૂટે આવી ગઈ છે, પૂરથી થોડી રાહત મળી શકે છે.
વડસર વિસ્તારમાં આવેલી કાંસા રેસિડેન્સી સહિતની સોસાયટીઓમાંથી NDRFની ટીમે લોકોને રેસ્ક્યૂ કર્યા હતા. NDRFની ટીમ અને રેસ્ક્યૂ કરાયેલા લોકોને વડસરની વલ્લભ રેસિડેન્સીના લોકોએ ભોજન બનાવીને જમાડ્યા હતા. ત્યારે વડોદરામાં વિશ્વામિત્રી નદીએ વેરેલા વિનાશ બાદ સરકાર દ્વારા વિશ્વામિત્રી રિડેવલપમેન્ટ માટે રૂપિયા 1200 કરોડ ફાળવવામાં આવ્યા. વડોદરામાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ જાહેરાત કરી હતી.