કેન્દ્ર સરકારે ભારતીય વાહનો માટે નવા સલામતી ધોરણોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંતર્ગત 1 એપ્રિલ 2025 થી તમામ પેસેન્જર કારમાં પાછળની સીટ માટે સીટ બેલ્ટ એલાર્મ લગાવવું ફરજિયાત બનશે. હાલમાં આ સુવિધા અમુક કારોમાં જ ઉપલબ્ધ છે. સરકારે આ વર્ષે માર્ચમાં આ નિયમોનો ડ્રાફ્ટ બહાર પાડ્યો હતો અને તેના પર તમામ હિતધારકો પાસેથી અભિપ્રાય માંગ્યાં હતાં. આ સિસ્ટમનો હેતુ અકસ્માત સમયે વાહનમાં બેઠેલી વ્યક્તિની સલામતી વધારવાનો અને તેમની ઈજા ઘટાડવાનો છે.
સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ મુજબ, પાછળની સીટના મુસાફરો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે. અને તેના ભંગ બદલ 1000 રૂપિયાનો દંડ થઈ શકે છે. પ્રસ્તાવ મુજબ 1 એપ્રિલ, 2025 પછી ઉત્પાદિત તમામ પેસેન્જર કારમાં સીટ બેલ્ટ, રેસ્ટ્રેંટ સિસ્ટમ અને સીટ બેલ્ટ એલાર્મનો ઉપયોગ ફરજિયાત બની જશે. આ માટે કેન્દ્રીય મોટર વ્હીકલ નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. એટલું જ નહીં 1 એપ્રિલ, 2026 થી બસો અને અન્ય ભારે વાહનોમાં સીટ બેલ્ટ ફરજિયાત બની જશે.
એક સુરક્ષા સિસ્ટમ છે જેમાં વાહનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે અકસ્માત સમયે તેમાં બેઠેલા મુસાફરોને રોકી શકાય અને ઈજાથી બચાવી શકાય જેમાં સામાન્ય રીતે સીટ બેલ્ટનો સમાવેશ થાય છે પરંતુ તેમાં એરબેગ્સ, સીટ બેલ્ટ એલાર્મિંગ સિસ્ટમ વગેરે જેવી અન્ય સુવિધાઓ પણ સામેલ હોઈ શકે છે.





