ઉલ્લેખનીય છે કે, શહેરની વસ્તી વધતાં SMCની સામે અનેક પડકારો પણ ઉભા થઈ રહ્યા છે. લોકોની સંખ્યાને આધારે નવા નવા પ્રોજેક્ટ શરૂ કરવાની ફરજ પડી રહી છે. વોટર મેટ્રો પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કરવાનું બહુમાન સુરતને મળી જશે. ઉલ્લેખનીય છે કે, કેરળના કોચીમાં દેશની એકમાત્ર વોટર મેટ્રો ચાલી રહી છે.
સુરત શહેર દેશના સૌથી ઝડપથી વિકસતા શહેર પૈકીનું એક છે, સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષમાં બે ગણી વસ્તી થઈ છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC)દ્વારા લોકોને પ્રાથમિક જરૂરિયાત મળી રહે તે માટે અલગ-અલગ ક્ષેત્રમાં નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા એ ખૂબ જ ગંભીર વિષય બન્યો છે. આ ટ્રાફિકના પ્રશ્નને ઉકેલવા માટે શક્ય એટલા નવા વિકલ્પોને શોધવામાં આવી રહ્યા છે. ત્યારે વોટર મેટ્રો દોડાવવાનો એક પ્રોજેક્ટ SMC દ્વારા હાથ ધરાયો છે.
મ્યુનિસિપલ કમિશનર અગ્રવાલે જણાવ્યું કે, કોમ્પ્રિહેન્સીવ મોબિલિટીવ પ્લાન અંતર્ગત જે રીતે બેરેજ અને તાપી નદી કિનારે પાડા તેમજ રિવરફ્રન્ટ વિકસાવવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેના કારણે તાપી નદીનો જે પ્રવાહ છે. તેના ઉપર સારી રીતે નિયંત્રણ લાવી શકાય તેમ છે. સુરત મહાનગરપાલિકા વોટર મેટ્રો શરૂ કરવા માટે આગળ વધી રહી છે, તેના માટે જે તે સંબંધિત વિભાગ સાથે ચર્ચા વિચાર-વિમર્શ કરવામાં આવી રહ્યું છે. સૌથી અગત્યનો ફિઝિબિલિટી રિપોર્ટ પણ હવે તૈયાર થઈ રહ્યો છે, જેથી તાપી નદીના ઉપર વોટર મેટ્રો દોડાવવા માટે આગામી દિવસોમાં તૈયારી શરૂ કરીશું.






