અંજાર વિસ્તારમાં નાણાં ધીરધારનો ગેરકાયદે વેપલો ચલાવી લોકોને શારીરિક અને માનસિક રીતે પરેશાન કરવા સાથે મરવા સુધી મજબૂર કરવાની પોલીસ ફરિયાદો બાદ પણ નિરંકુશ રહી સતત કાયદાનો ઉલ્લંઘન કરતી લેડી ડોન રિયા ગોસ્વામી અને તેના ભાઈ-બહેન આરતી અને તેજસ ગોસ્વામી સામે આખરે પૂર્વ કચ્છ પોલીસે ગંભીર અપરાધીની વ્યાખ્યામાં ગુજસીટોકનું શસ્ત્ર ઉગામી ત્રણેયને ઝડપી પાડ્યા છે. ત્રણેયને સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. જિલ્લામાં વર્ષ 2015 બાદ અત્યાર સુધીમાં ગણ્યા ગાંઠ્યા અપરાધિઓ સામે જ આ કલમ હેઠળ પોલીસ કાર્યવાહી થઈ છે, ત્યારે ગેરકાયદે વ્યાજે નાણાં ધીરનાર આરોપી સામે સંભવિત આ પ્રથમ કેસ નોંધાયો છે.
કચ્છના ઈતિહાસમાં પહેલીવાર એક જ પરિવારના સગાં ત્રણ ભાઈ બહેન એકસાથે ગુજસીટોકના ગુનામાં અંદર થયાં છે. પહેલીવાર મહિલાઓ પર અને વ્યાજખોર માફિયાઓ પર ગુજસીટોક લાગુ કરાયો છે. પોલીસે ગુજસીટોકમાં અંદર કરી દીધેલાં વ્યાજ માફિયામાં અંજારના મકલેશ્વરમાં રહેતી રીયા ઈશ્વરભાઈ ગોસ્વામી, તેની બહેન આરતી અને ભાઈ તેજસ ગોસ્વામીનો સમાવેશ થાય છે. રીયા ગોસ્વામી વિરુદ્ધ 2020થી અત્યાર સુધીમાં ગેરકાયદે નાણાં ધીરધાર, પઠાણી ઉઘરાણી, હુમલો કરવા સહિતની 8 ફરિયાદો દાખલ થયેલી છે. જે પૈકીની બે ફરિયાદો પઠાણી ઉઘરાણી કરીને ભોગ બનનારને મરવા મજબૂર કરવાની નોંધાયી હતી. એ જ રીતે, તેની બહેન આરતી તથા ભાઈ તેજસ વિરુદ્ધ પણ વ્યાજખોરી, મારામારી, પઠાણી ઉઘરાણીના ચાર- ચાર ગુના નોંધાયેલાં છે.