આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી આફત બન્યું છે. સૌથી ગંભીર સ્થિતિ વિજયવાડાની છે, જે 20 વર્ષના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યું છે. પૂરનું કારણ બુડામેરુ નદી છે. આ નદી વિજયવાડા માટે શોકજન્ય છે, કારણ તેના લીધે ઘણી વખત આફતનો સામનો કરવો પડ્યો છે.
બુડામેરુ નદીના પૂરના લીધે વિજયવાડાના અડધાથી વધુ વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે અને 2.75 લાખથી વધુ લોકો ડૂબેલાં ઘરોમાં ફસાયેલાં છે. બુડામેરુ નદી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સરહદે સ્થિતિ ખમ્મર જિલ્લામાંથી નીકળે છે. આ નદી એનટીઆરના માયલાવારમ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થાય છે.
દેશના 85% જિલ્લાઓ ખરાબ હવામાનની ઝપેટમાં
ભારતના 85% થી વધુ જિલ્લાઓ પૂર, દુષ્કાળ અને ચક્રવાત જેવા ખરાબ હવામાનથી પ્રભાવિત છે. આઈપીઈ ગ્લોબલ અને ઈએસઆરઆઈ ઈન્ડિયા દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં આ દાવો કરાયો છે. આ સંશોધનમાં પાંચ દાયકાના ડેટાનું વિશ્લેષણ કરાયું હતું અને 1973થી 2023 સુધીનાં 50 વર્ષના સમયગાળા દરમિયાન પ્રદૂષિત આબોહવાની ઘટનાઓની યાદી કરાઈ હતી.
બીજી તરફ, 45% જિલ્લાઓમાં ‘સ્વેપિંગ’નો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, જ્યાં પરંપરાગત રીતે પૂરનું જોખમ હતું પરંતુ હવે દુષ્કાળની સ્થિતિ સર્જાઈ છે. તેવી રીતે દુષ્કાળના સંભાવનાવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઊભી થઈ રહી છે.