હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં હિન્દુ સંગઠન દેવભૂમિએ બુધવારે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. સિમલાના સંજૌલીમાં આવેલ આ મસ્જિદનો માર્ગ ઢલી ટનલમાંથી પસાર થાય છે. સંગઠન સવારથી જ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદરેશનકારીઓએ રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.
આ પછી તેઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા. તેમને રોકવા માટે પોલીસે બે વખત લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પથ્થરમારામાં એક પ્રદર્શનકારી અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે. સંજૌલી મસ્જિદ 1947 પહેલા બનાવવામાં આવી હતી. 2010માં તેના કાયમી ઈમારતનું બાંધકામ શરૂ થયું ત્યારે ગેરકાયદે બાંધકામ અંગે મહાપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી. હવે આ મસ્જિદ 5 માળની છે. મહાનગરપાલિકાએ 35 વખત ગેરકાયદે બાંધકામો તોડી પાડવાના આદેશ આપ્યા છે.હાલનો વિવાદ 31 ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, જ્યારે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. આ પછી હિન્દુ સંગઠનોએ 1 અને 5 સપ્ટેમ્બરે પ્રદર્શન કર્યું અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ કરી હતી.