રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને 280 રનથી હરાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિન પ્લેયર ઑફ ધ મેચ રહ્યો હતો. આ મેચ દરમિયાન ઘણા રેકોર્ડ બન્યા હતા.
ભારત 179 મેચ જીત્યું, 178 હારી ગયું; 4 ટીમની હાર કરતાં જીત વધુ
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ ભારત ટેસ્ટમાં ચોથી સફળ ટીમ બની ગઈ છે. ભારતે સૌથી વધુ ટેસ્ટ જીતવાના મામલામાં સાઉથ આફ્રિકાની બરાબરી કરી લીધી છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 580માંથી 179 મેચ જીતી છે, સાઉથ આફ્રિકા 179 જીત સાથે હાલમાં ચોથા સ્થાન પર છે. ઓસ્ટ્રેલિયા 414 જીત સાથે પ્રથમ, ઇંગ્લેન્ડ 397 જીત સાથે બીજા અને વેસ્ટ ઈન્ડિઝ 183 જીત સાથે ત્રીજા સ્થાને છે.
અશ્વિન 10મી વખત પ્લેયર ઑફ ધ મેચ બન્યો, દ્રવિડ-કુંબલેની બરાબરી કરી. ભારત માટે ટેસ્ટમાં સૌથી વધુ પ્લેયર ઑફ ધ મેચ અવોર્ડનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે આ અવોર્ડ 14 વખત જીત્યો છે. અશ્વિને ચેન્નઈ ટેસ્ટમાં સદી ફટકારવાની સાથે 6 વિકેટ ઝડપી હતી. આ માટે તેને પ્લેયર ઑફ ધ મેચ આપવામાં આવ્યો હતો. અશ્વિનને ટેસ્ટમાં 10મી વખત આ અવોર્ડ મળ્યો છે.
રવિચંદ્રન અશ્વિને ટેસ્ટમાં ભારત માટે ચોથી વખત એક મેચમાં સદી અને 5 વિકેટ લીધી છે. તેના પછી રવીન્દ્ર જાડેજા છે જેણે બે વખત આ સિદ્ધિ મેળવી છે અને સ્પિનર અશ્વિને ટેસ્ટમાં સૌથી વધુ 5 વિકેટ લેવાના મામલે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડી શેન વોર્નની બરાબરી કરી લીધી છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 37 વખત પાંચ વિકેટ ઝડપી છે.