ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં સિઝનનો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં તો સારો વરસાદ નોંધાયો છે, પરંતુ આ વર્ષે સિઝનમાં ઉત્તર ગુજરાતમાં વરસાદે અણબોલા કર્યા હોય તેમ ખૂબ ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો છે. હાલ રાજ્યમાંથી ધીમે ધીમે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. આગામી 3 ઓક્ટોબરથી નવરાત્રિ શરૂ થઈ રહી છે અને નવરાત્રિના પહેલાં બે નોરત વરસાદની વરસવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ 5 ઓક્ટોબરથી ચામાસુ વિધિવત વિદાય લઇ રહ્યું હોવાથી આ વખતે ખેલૈયાઓની નવરાત્રિ નહીં બગડે.
ચોમાસાની વિદાયની પણ ધીમે ધીમે શરૂઆત થઈ છે. હાલમાં દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન અને પશ્ચિમ કચ્છના ભાગોમાં વિધિવત રીતે ચોમાસાની વિદાયની શરૂઆત થઈ છે. એટલે કે, આ વરસાદી રાઉન્ડ છેલ્લો હોય શકે છે. ત્યારે હવામાન વિભાગના ડાયરેક્ટરે ગુજરાતના ખેલૈયાઓ માટે પણ સારા સમાચાર આપ્યા છે. જેમાં નવરાત્રિ પહેલાં જ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે, ખેલૈયાઓના નવરાત્રિના નવ દિવસ બગડે તેવી શક્યતા ઓછી જણાઇ આવે છે.
બંગાળની ખાડી પર હાલ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે જે ધીમે ધીમે આગળ વધી રહ્યું છે અને રાજ્ય પર તેની અસર વરતાશે. જેથી હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સૌથી વધુ વરસાદ વરસી શકે છે. જ્યારે 3 દિવસ બાદ સૌરાષ્ટ્ર-કચ્છ અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદની પૂરતી સંભાવના છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બંગાળની ખાડીના સર્ક્યુલેશનને ધ્યાનમાં રાખીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
25થી 26 સપ્ટેમ્બર બાદ અમદાવાદમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે
હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં જુદા જુદા જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. પરંતુ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં આગામી ત્રણ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બાદમાં ચોથા દિવસથી એટલે કે, 25 સપ્ટેમ્બરથી સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ગાજબીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકથી છુટા છવાયા વાદળો આકાશમાં દેખાય છે. પરંતુ હાલ પૂરતા આ વરસાદી વાદળ નથી. પરંતુ 25થી 26 સપ્ટેમ્બર બાદ અમદાવાદ શહેરમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.