ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયું ચિરંજીવીનું નામ, 45 વર્ષના ફિલ્મી કરિયરમાં મેળવેલી આ સિદ્ધિ બદલ કરાયા સન્માનિત
સાઉથના મેગાસ્ટાર ચિરંજીવી તેની ફિલ્મો અને શાનદાર અભિનય માટે જાણીતા છે. તાજેતરમાં જ એક્ટરના ફેન્સ માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ચિરંજીવીને ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આનાથી સન્માનિત થઈને તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી સફળ સ્ટાર તરીકે ઓળખાયા છે. આ સમાચાર સાંભળ્યા બાદ એક્ટરના ફેન્સમાં ખુશીનો માહોલ છે.
આ સર્ટિફિકેટ તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન ચિરંજીવીને આપવામાં આવ્યું હતું. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ફોટોમાં બોલિવૂડ સ્ટાર આમિર ખાન પણ ચિરંજીવી સાથે સ્ટેજ પર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાઉથ સ્ટાર ચિરંજીવીએ પોતાના સમગ્ર ફિલ્મી કરિયરમાં 156 ફિલ્મો કરી છે, જેમાંથી ઘણી ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. આ જ અભિનેતાએ 537 ગીતોમાં 24,000થી વધુ ડાન્સ મૂવ્સ કર્યા છે.
અભિનેતાને મળેલા પ્રમાણપત્રની તસવીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રમાણપત્ર પર લખેલું છે – ‘ચિરંજીવી ઉર્ફે મેગા સ્ટાર, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં સૌથી સક્સેસફૂલ એક્ટર/ડાન્સર. હવે ફેન્સ અભિનેતાને અભિનંદન આપી રહ્યા છે. આ પહેલીવાર નથી કે, જ્યારે એક્ટરનું સન્માન કરવામાં આવ્યું હોય. અગાઉ ચિરંજીવીને સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.