યુપી સરકારે ખાણીપીણીની દુકાનો પર નેમપ્લેટ એટલે કે દુકાનદારનું નામ લખવાનું ફરજિયાત બનાવ્યું છે. સીએમ યોગીએ મંગળવારે આ આદેશ આપ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથે ખાદ્ય વિભાગ સાથે બેઠક કરી હતી. તેમણે કહ્યું- રાજ્યની તમામ હોટલ, ઢાબા, રેસ્ટોરન્ટની સંપૂર્ણ તપાસ થવી જોઈએ અને દરેક કર્મચારીનું પોલીસ વેરિફિકેશન કરવું જોઈએ. ખાદ્ય પદાર્થોની શુદ્ધતા માટે ફૂડ સેફ્ટી એક્ટમાં જરૂરી સુધારા કરવા જોઈએ.
નવા આદેશ મુજબ ખાણી-પીણી કેન્દ્રો પર ઓપરેટર, પ્રોપરાઈટર, મેનેજરનું નામ અને સરનામું દર્શાવવું ફરજિયાત રહેશે. સમગ્ર રેસ્ટોરન્ટમાં CCTV લગાવવાના રહેશે. કર્મચારીઓએ માસ્ક અને ગ્લોવ્ઝ પહેરવા જરૂરી રહેશે.અગાઉ, યુપી સરકારે કાવડ યાત્રાના માર્ગ પરની દુકાનો પર નેમપ્લેટ ફરજિયાત કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટે યોગી સરકારના આ નિર્ણય પર સ્ટે લગાવી દીધો હતો. આ મામલો હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.






