ગુજરાતનો સૌપ્રથમ રબર બેરેજ કમ બ્રિજ અમદાવાદની સાબરમતી નદી પર મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા બનાવવામાં આવશે. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડશે. સાબરમતી નદી પર ₹ 367 કરોડના ખર્ચે કોરિયન કંપની એક કિમીનો રબર બેરેજ કમ બ્રિજ બનાવશે. જેના કારણે પશ્ચિમ વિસ્તારમાં સાબરમતી, ચાંદખેડા, મોટેરા થઈને સીધા એરપોર્ટ આવવા માટે સીધી કનેક્ટિવિટી મળશે.
રૂ. 367 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનશે, જેનો તમામ ખર્ચ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન (SRFDC)ની જગ્યાએ હવે સરકારના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડની ગ્રાન્ટમાંથી ચૂકવવામાં આવશે. આ બ્રિજ કેમ્પસ સદર બજારથી પશ્ચિમના અચેર વિસ્તારને જોડશે. બ્રિજની નીચે બનાવેલા રબર પાઇપના કારણે કોતરપુર વોટર વર્કસનું પાણી નદીના પશ્ચિમના વિસ્તાર જેવા કે મોટેરા, સાબરમતી સહિતના વિસ્તારમાં લાવી સંગ્રહ પણ કરી શકાશે. આગામી ત્રણ વર્ષમાં આ બ્રિજ બનીને તૈયાર થઈ જશે.
ગુજરાતનો સૌથી પહેલો એવો બ્રિજ બનશે, જેમાં નીચે પાણીના સપ્લાય માટે રબર બેરેજ બનાવવામાં આવશે. જેમાં ઓટોમેટિક કંન્ટ્રોલ સિસ્ટમ હોવાથી નદીના વહેતા પૂરને અવરોધ પણ નહી થાય. એર ફીલ્ડ રબર બેરેજ બનાવવામાં આવનાર છે. કોરિયન કંપની દ્વારા વોટર શેડ ડેવલપમેન્ટ હેઠળ આકસ્મિક સંજોગોમાં રો વોટર સંગ્રહ કરવા તેમજ રોડ નેટવર્ક સૃદ્રઢ કરવા માટે 6 માર્ગીય બેરેજ કમ બ્રિજ બનશે. બ્રિજ ડેકના નીચે 3 મીટર પહોળાઇના ટેન્સાઇલ રૂફીંગ સાથેના ફુટપાથ બનાવાશે, જેનો પણ નાગરિકો આનંદ લઇ શકશે.