ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં શિક્ષક, તેની પત્ની અને બે સગીર બાળકોને ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી ચંદન વર્મા એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. આરોપી પકડાયા પછી પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે આ એન્કાઉન્ટર થયું. ઝપાઝપી દરમિયાન ચંદન વર્માને પગમાં ગોળી વાગી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન જ્યારે આરોપીને ઘટના સ્થળે લઈ જવાતો હતો ત્યારે ચંદન વર્માએ પોલીસકર્મીની પિસ્તોલ છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તેને પગમાં ગોળી મારી હતી. આ ઘટના મોહનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. યુપી એસટીએફએ ગઈ કાલે નોઈડા જેવર ટોલ પ્લાઝા પરથી હત્યારા ચંદન વર્માની ધરપકડ કરી હતી. અમેઠી હત્યાકાંડના મુખ્ય આરોપી ચંદન વર્માની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.
આરોપીએ ઘરમાં ઘૂસીને એક જ પરિવારના ચાર લોકોની હત્યા કરી દીધી હતી. આ કેસની વિગત એવી છે કે, ઉત્તર પ્રદેશના અમેઠીમાં શિવરતનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરમાં ઘૂસીને શિક્ષક સહિત સમગ્ર પરિવારને ગોળી મારી દીધી હતી. ગોળી વાગતાં શિક્ષક, તેની પત્ની અને તેના બે બાળકોનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મુખ્યમંત્રી યોગી આદિત્યનાએ અમેઠીની ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. યોગી આદિત્યનાથે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. સીએમ યોગીએ અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચવાના નિર્દેશ આપ્યા હતા. તેમજ અધિકારીઓને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
			
                                
                                



