સરકારે આધારકાર્ડની આવશ્યકતા મોટાભાગની દરેક કાર્યવાહી અને પ્રક્રિયામાં વધારી દીધી છે, પરંતુ તેની સામે સરકારમાં સેન્ટ્રલી કોઈ જાતનું નિયંત્રણ નહીં હોવાથી આધારકાર્ડની કામગીરી પણ નિરાધાર બની ગઈ છે. છેલ્લા ઘણા સમયથી ટેક્નિકલ કારણોસર મોટાભાગના નવા એનરોલમેન્ટની અરજી રિજેક્ટ થઇ રહી છે અને તેના કારણે ગુજરાતમાં ગત ઓગસ્ટ મહિના દરમિયાન 56 જેટલા ઓપરેટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જ્યારે 271 ઓપરેટરોને રિટ્રેનિંગ આપવામાં આવી છે. જેના કારણે આધારકાર્ડની કામગીરી મંદગતિએ ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ઓપરેટરો 10,000ના પગાર ઉપર કોન્ટ્રાક્ટ પર કામ કરી રહ્યા છે, જેને કોઈ નોટિસ કે વોર્નિંગ આપવા બદલે સીધા જ સસ્પેન્ડ કરી દેવામાં આવતા રોષ જોવા મળી રહ્યો છે. તેઓનો આક્ષેપ છે કે, આધારકાર્ડના મુખ્ય સર્વરમાં ટેક્નિકલ પ્રોબ્લેમ હોવાથી એરર આવી રહી છે. જેનો ભોગ ઓપરેટરો બની ગયા છે અને સીધા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.





